શહેર પોલીસ દ્વારા કોર્ટમાં દાખલ કરાયેલી પૂરક ચાર્જશીટ મુજબ અશ્લીલ ફિલ્મોને લગતા કેસના સંદર્ભમાં બૉલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ મુંબઈ પોલીસને આપેલા નિવેદનમાં દાવો કર્યો છે કે, તે પતિ રાજ કુન્દ્રાની પ્રવૃત્તિઓથી પરિચિત નહોતી. કારણ કે, તે પોતાના કામમાં વ્યસ્ત રહે છે. શેટ્ટીનું નિવેદન પોલીસે કુંદ્રા (46) અને તેના સહયોગી રાયન થોર્પે વિરુદ્ધ બુધવારે મેજિસ્ટ્રેટ કૉર્ટ સમક્ષ દાખલ કરેલી લગભગ 1,500 પાનાની ચાર્જશીટનો ભાગ છે. આ વર્ષે જુલાઈમાં ધરપકડ કરાયેલા કુંદ્રા સામેનો કેસ કથિત રીતે પોર્નોગ્રાફિક ફિલ્મો બનાવવા અને કેટલીક એપ પર તેને પ્રકાશિત કરવા સાથે સંબંધિત છે.ચાર્જશીટ મુજબ શિલ્પા શેટ્ટીએ પોલીસને જણાવ્યું કે, તેને હોટશોટ્સ અને બૉલિવૂડ ફેમ એપ્સ અંગે કંઇ જ ખબર નથી. જેનો આરોપ કથિત રીતે અશ્લીલ કન્ટેન્ટ અપલોડ અને સ્ટ્રીમ કરવા માટે કરવામાં આવે છે.શેટ્ટીએ દાવો કર્યો હતો કે, તેને ખબર નહોતી કે તેના પતિ કામમાં વ્યસ્ત હોવાથી શું કરી રહ્યા છે. અન્ય એક અભિનેત્રી શેર્લિન ચોપરાએ તેના નિવેદનમાં પોલીસને જણાવ્યું હતું કે, કુંદ્રાએ તેને ‘કોઈપણ ખચકાટ વગર’ હોટશોટ્સ એપ માટે કામ કરવા કહ્યું હતું. પરંતુ, આ અંગે શેર્લિન ચોપરાએ કામ કરવાની ના પાડી દીધી હતી. ચોપરાએ પોલીસને વધુમાં જણાવ્યું હતું કે, તેણે ‘ધ શેર્લિન ચોપરા એપ’ નામની મોબાઈલ એપ બનાવવા માટે કંપની આર્મ્સપ્રાઈમ મીડિયા પ્રાઈવેટ લિમિટેડ સાથે કરાર કર્યો હતો. ચોપરાએ દાવો કર્યો હતો કે, કરાર મુજબ તેને આવકની 50 ટકા રકમ મળવાની હતી. અન્ય એક સાક્ષી સેજલ શાહે પોલીસને જણાવ્યું કે, તેણે માર્ચ 2020 માં લોકડાઉન દરમિયાન હોટશોટ્સ એપ માટે ત્રણ ફિલ્મો બનાવી હતી. ચાર્જશીટમાં સિંગાપોરના રહેવાસી યશ ઠાકુર અને લંડન સ્થિત પરદીપ બક્ષીને વોન્ટેડ આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે.
