કેબિનેટના સભ્યોની શપથવિધિ યોજાવાની છે તેવી અટકળોના પગલે રાજ્ય સરકારના સામાન્ય વહિવટ વિભાગે મહત્વનો આદેશ કરીને સ્વર્ણિમ સંકુલ-1 અને સંકુલ-2ના સ્ટાફની બદલીના હુકમો કર્યા બાદ ત્વરીત પૂર્વ મંત્રીઓની ઓફિસમાંથી સામાન ખસેડી લેવામાં આવ્યો હતો, એટલું જ નહીં આ ઓફિસો ખાલી કરાવવામાં આવી હતી. આ ઉપરાંત મંત્રીઓને તેમના બંગલા પણ બે દિવસની અંદર ખાલી કરવાનું કહેવાયું છે.ભાજપના મંત્રીઓ સાથે કામ કરી રહેલા પાર્ટી દ્વારા નિમવામાં આવેલા અંગત સ્ટાફ પણ છૂટો કરવામાં આવ્યો હતો જેના પગલે કેટલાક કર્મચારીઓની આંખો ભિંની થઇ જવા પામી હતી. મંત્રીઓના બોર્ડ પણ ઉતારી લેવામાં આવ્યાં હતાં. રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા પછી મંત્રીઓને પોતાની સરકારી કાર પણ જમા કરાવી દીધી હતી અને ખાનગી વાહનોમાં ગાંધીનગરમાં ફરતા જોવા મળ્યા હતાં.
મુખ્યમંત્રી કાર્યાલયના સીનિયર અધિકારીઓની નિયુક્તિ બાદ તેઓએ તેમનો ચાર્જ આજે સવારે લઇ લીધો છે જ્યારે અત્યાર સુધી કામ કરી રહેલા અધિકારીઓને તેમના વિભાગમાં પાછા મોકલી દેવામાં આવ્યા છે જેના કારણે એમકે દાસ અત્યારે પોર્ટ અને ટ્રાન્સપોર્ટ વિભાગમાં તેમજ અશ્વિનીકુમાર જીઆઇડીબીમાં પરત ફર્યા છે. જો કે હવે તેમના નવા ઓર્ડર થવાની પણ સંભાવના છે. દિલ્હી દરબારની સૂચના પ્રમાણે હવે પછી સ્વર્ણિમ સંકુલમાં આવેલી મંત્રીઓની ઓફિસમાં ખાનગી કામો લઇને આવતા દલાલ અને વચેટિઓને પ્રવેશ નહીં આપવાની સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને બ્યુરોક્રેટ્સને પણ આવા વચેટિયાથી દૂર રહેવા જણાવવામાં આવ્યું છે. એવું પણ જાણવા મળ્યું છે કે સ્વર્ણિમ સંકુલમાં મુલાકાતીઓને આપવામાં આવતા પ્રવેશની પ્રક્રિયામાં પણ મોટો ફેરફાર આવી શકે તેમ છે.