રાજસ્થાનમાં હવે ફોન ટેપિંગના મામલે બબાલ

જ્યારથી ઉત્તર પ્રદેશના કોંગ્રેસના દિગ્ગજ નેતા જીતીન પ્રસાદે કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીની કંઠી પહેરી છે ત્યારથી રાજસ્થાનમાં બધુ બરાબર નથી ચાલી રહ્યું એવું સ્પષ્ટ પણે કહી શકાય તેમ છે. સચિન પાયલટ જૂથ અશોક ગેહલોતથી ખૂબ જ નારાજ છે અને ગમે ત્યારે કંઇ પણ થવાના એંધાણ વર્તાઇ રહ્યાં છે તેની વચ્ચે હવે અશોક ગેહલોત સરકાર પર ફોન ટેપિંગનો આરોપ લગાડવામાં આવી રહ્યો છે. આ આરોપ ભારતીય જનતા પાર્ટી દ્વારા નહીં પરંતુ કોંગ્રેસના જ એક નેતા દ્વારા લગાડવામાં આવ્યો છે. રાજસ્થાનના કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય વેદપ્રકાશ સોલંકીએ આરોપ લગાવ્યો છે કે રાજ્ય સરકાર સચિન પાયલોટના સમર્થકોના ફોન ટેપ કરાવી રહી છે. તેમણે કહ્યું હતું કે તેમની જ પાર્ટીના બે થીત્રણ જેટલા ધારાસભ્યોએ તેમને જણાવ્યું હતું કે, તેમના ફોન ટેપ કરવામાં આવી રહ્યા છે. તેમની જાસૂસી કરવામાં આવી રહી છે એટલું જ નહીં પરંતુ સીઆઇડીના માણસો પણ તેમના ઘરની આસપાસ ચક્કર લગાવી રહ્યાં છે. તેમના કેટલાક ધારાસભ્યોને એન્ટિ કરપ્શન બ્યુરોની ટ્રેપનો ભય બતાવીને બદનામ કરવાની ધમકી આપવામાં આવી રહી છે. આ તકનો લાભ લેવામાં ભારતીય જનતા પાર્ટી પણ પાછળ રહી નથી. ભારતીય જનતા પાર્ટીના સાંસદ રાજ્યવર્ધનસિંહ રાઠોડે કહ્યું છે કે જ્યારે તમારૂં કેન્દ્રીય નેતૃત્વ જ નબળું છે તેના કારણે જ સ્થાનિક નેતૃત્વ તેમની મનમાની કરી રહ્યું છે. તમે શું સંદેશ આપવા માંગો છો તેનાથી ભારતીય જનતા પાર્ટીને કોઇ ફેર પડતો નથી. પંજાબ હોય કે રાજસ્થાન અયોગ્ય દ્રષ્ટીકોણના કારણે નેતાઓ પાર્ટી છોડી રહ્યાં છે અને બીજા પક્ષમાં જોડાઇ રહ્યાં છે. સચિન પાયલોટ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે કે કેમ તે અંગેના સવાલનો જવાબ આપતા તેમણે કહ્યું હતુંકે અમારી પાર્ટીના દરવાજા એ તમામ લોક માટે ખુલ્લા છે જેમની પ્રાથમિકતા દેશહિત છે અને જેઓ તેમની વિચારધારા બદલીને ઇન્ડિયાને નંબર એક પર લાવવા માગે છે. અત્રે ઉલ્લેખનીય છે કે અશોક ગેહલોતની કાર્યશૈલીથી સચિન પાયલોટ ખૂબ જ નારાજ છે પરંતુ પ્રિયંકા ગાંધીની સમજાવટના કારણે હાલમાં તેઓ કોઇ નવાજૂની કરવાના મૂડમાં નથી. સચિન પાયલોટને કોંગ્રેસના મજબૂત નેતા માનવામાં આવે છે અને કોંગ્રેસને રાજસ્થાનમાં જીતાડવા માટે તેમની ભૂમિકા ખૂબ જ મહત્વની રહી હતી. તેમને તો મુખ્યમંત્રીના દાવેદાર પણ માનવામાં આવતા હતા પરંતુ પાછળથી કોંગ્રેસ હાઇ કમાન્ડે અશોક ગેહલોતને રાજસ્થાનની ખુરશી સોંપી દીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *