કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મહત્વના સેકટરોમાંની મિલકતોને મોનેટાઇઝ કરવાની કેન્દ્રની હિલચાલને આજે વખોડી હતી અને જણાવ્યું હતું કે મોદી પ્રશાસન અગાઉની સરકારે દ્વારા ૭૦ કરતા વધુ વર્ષોમાં પ્રજાના નાણાથી બંધાયેલ દેશના મુગટના રત્નો વેચવાની પ્રક્રિયામાં છે. અહીં એક પત્રકાર પરિષદને દેશના ભૂતપૂર્વ નાણા મંત્રી પી. ચિદમ્બરમની સાથે સંબોધન કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભાજપ દાવો કરે છે કે ભારતમાં છેલ્લા ૭૦ વર્ષમાં કશું થયું નથી, પણ હવે આ બધા વર્ષોમાં સર્જવામાં આવેલી મિલકતો વેચવામાં આવી રહી છે. ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે નરેન્દ્ર મોદીની ખાનગીકરણની યોજના મહત્વના સેકટરોમાં મોનોપોલી સર્જવાનો હેતુ ધરાવે છે જે રોજગારીનો નાશ કરશે. તેમણે આક્ષેપ કર્યો હતો કે સરકાર ફોર્મલ સેકટરમાં એકહથ્થુતાઓનું સર્જન કરવા માગે છે અને ઇન્ફોર્મલ સેકટરનો નાશ કરવા માગે છે.
ચિદમ્બરમે કહ્યું હતું કે છેલ્લા ૭૦ વર્ષમાં ઉભી કરવામાં આવેલી મિલકતોનું વેચાણ કરવાનો એક માત્ર હેતુ ભંડોળો ઉભા કરવાનો હોઇ શકે નહીં. ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી માને છે કે મિલકતોના આવા મોટા વેચાણ કરતા પહેલા કર્મચારીઓ, કામદાર યુનિયનો, ખેડૂતો સહિતના તમામ હિતધારકો સાથે ચર્ચા વિચારણા થવી જ જોઇએ. અત્રે ઉલ્લેખનીય છે કે નાણા મંત્રી નિર્મલા સીતારમણે ગઇકાલે એક મહત્વાકાંક્ષી રૂ. ૬ લાખ કરોડની નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન(એમએનપી) યોજના ખુલ્લી મૂકી હતી, જેમાં દેશના રેલવે સ્ટેશનો, એરપોર્ટો, માર્ગો, સ્ટેડિયમો વગેરેની મિલકતો ખાનગી કંપનીઓને વાપરવા આપીને તેમાંથી નાણા ઉભા કરવાનું આયોજન છે.