પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ગુજરાતના ૭૧ લાખ પરિવારોના સાડા ત્રણ કરોડ લોકોને દિવાળી સુધી સાવ વિનામૂલ્યે અન્ન વિતરણનો આજથી દાહોદથી આરંભ થયો હતો. અન્ન વિતરણ કાર્યક્રમમાં વચ્યુઅલ રીતે સહભાગી થયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, દેશમાં ગરીબોના સશક્તિકરણને સર્વોચ્ચ પ્રાથમિક્તા અપાઇ રહી છે. રાજ્યના પાંચ જિલ્લાના લાભાર્થીઓ સાથે પ્રધાનમંત્રી મોદીએ ઇ-સંવાદ પણ કર્યો હતો. પીએમ મોદીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં આજે લાખો પરિવારોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિનામૂલ્યે રાશન આપવામાં આવી રહ્યું છે. આ રાશન કોરોનાની મહામારીના સમયમાં ગરીબોની ચિંતામાં રાહત આપીને તેમનામાં આત્મવિશ્વાસનું સિંચન કરે છે. તેમણે કહ્યું હતું કે આ યોજના છેલ્લા એક વર્ષથી સમગ્ર દેશમાં ચાલી રહી છે. દેશનો કોઇ ગરીબ ભૂખ્યો સુવે નહી, તે વાત આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે. પડકારો ગમે તેવા હોય પરંતુ સમગ્ર દેશ ગરીબોની સાથે છે એવો અહેસાસ આ યોજનાના કારણે લોકોને થયો છે.
કોરોના જેવી મહામારી ૧૦૦ વર્ષમાં પ્રથમ વખત આવી છે. વિશ્વના અનેક દેશોને ચિંતા હતી કે કોરોનાના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનને પરિણામે અનેક લોકોને ભૂખ્યા રહેવાનો વારો આવશે. હાલમાં દુનિયાના કેટલાક દેશોમાં કોરોના સંક્રમણને કારણે ભૂખમરાનું ભીષણ સંકટ આવ્યું છે. પરંતુ, ભારતે આ સંકટનો પહેલેથી ઓળખી તેને ખાળવા માટે આગોતરૂ આયોજન કરીને આ યોજના અમલમાં મૂકી છે. દેશમાં ૮૦ કરોડથી વધુ ગરીબોને મફત અનાજ આપવા પાછળ કેન્દ્ર સરકારે રૂ. ૨ લાખ કરોડનો માતબર ખર્ચ કર્યો છે. જેનાથી વિશ્વના અનેક દેશો પ્રભાવિત થયો છે. ગુજરાતની જાહેર વિતરણ વ્યવસ્થાની પ્રશંસા કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે વન નેશન, વન રાશન યોજના લાગુ કરવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય હતું. તેના કારણે લોકડાઉનમાં ફસાયેલા અનેક પ્રવાસી શ્રમિકોને તેમના વતન સિવાયના બીજા સ્થળેથી રાશન મળી રહ્યું અને તેનો કોરોનાકાળમાં પણ રાશનથી વંચિત ના રહ્યા. તેમણે કહ્યું હતું કે, રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરીને અનેક ભૂતિયા રાશનકાર્ડ નાબૂદ કરવામાં આવ્યાથી સાથે ગરીબોના હક્કના સરકારી અનાજ વિતરણની વ્યવસ્થામાંથી કટકી કંપનીને પણ દૂર કરવામાં આવી છે.
ડિજિટલ વ્યવસ્થાને કારણે જાહેર વિતરણ વ્યવસ્થા વધુ સુદ્રઢ બની અને રાશનનો સીધો લાભ કોઇ વચેટિયા કે વિલંબ વગર ગરીબોને સીધો મળી રહ્યો છે. મોદીએ જણાવ્યું હતું કે, એક જમાનો હતો કે દેશમાં વિકાસની વાતો માત્ર મોટા શહેરો સુધી જ સીમિત હતી. જેને સામાન્ય માનવી સાથે કોઇ લેવાદેવા નહોતી. પરંતુ, આ વિચારધારાને બદલીને સામાન્ય માનવીના જીવનમાં પણ ગુણાત્મક પરિવર્તન આવે અને તેમનું જીવનધોરણ ઉંચુ આવે તેવા માપદંડો સાથે કેન્દ્ર સરકારે ગરીબોના સશક્તિકરણને પ્રાથમિક્તા આપી છે. દેશમાં ૨ કરોડ ગરીબ પરિવારોને આવાસ, ૧૦ કરોડ પરિવારોને શૌચાલય તેમજ જનધન ખાતાથી અંત્યોદય પરિવારોને બેંકિંગ વ્યવસ્થાથી જોડીને તેમને નવી તાકાત અને તકો પૂરી પાડી છે અને તેના કારણે ગરીબોના જીવનધોરણમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં એક સમયે પાણી માટે મહિલાઓને ઘણા દૂર સુધી જવું પડતું હતું. પરંતુ, સરદાર સરોવર યોજના, સૌની યોજના, નહેરોના નેટવર્કને પરિણામે આજે મા નર્મદાનું પાણી ગુજરાતના ગામેગામ અને ઘરેઘરે પહોંચ્યું છે. મા નર્મદાનું નામમાત્ર લેવાથી પુણ્ય મળે છે એ પાણી આજે નળ મારફત ઘર સુધી આવ્યું છે. જલ જીવન મિશન હેઠળ છેલ્લા બે વર્ષમાં સાડા ચાર કરોડ પરિવારોને આવરી લેવામાં આવ્યા છે. આઝાદી બાદ માત્ર ૩ કરોડ પરિવારોના ઘરે પાણીના નળ હતા. ગુજરાતમાં આજે નલ સે જલ યોજના પૂરી થવાના આરે છે, એ વાતની ખુશી છે.
ડબલ એન્જિનની સરકારને કારણે ગુજરાતમાં અનેક વિકાસના કામો થયા છે. જેમાં ‘સ્ટચ્યુ ઓફ યુનિટી’ આજે વૈશ્વિક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. કચ્છમાં બનનારા રિન્યુએબલ એનર્જી પાર્ક, રેલવે, હવાઇ જોડાણ સહિતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અનેક પ્રોજેક્ટ ગુજરાતમાં કાર્યરત છે. અમદાવાદ અને સુરતમાં મેટ્રો, હેલ્થકેર, મેડિકલ શિક્ષણ ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી થઇ છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજ અનેક વિકાસના કામો થઇ રહ્યા છે અને તેના પરિણામે દેશના દરેક ક્ષેત્રના લોકોનો આત્મવિશ્વાસ વધ્યો છે. આ આત્મવિશ્વાસ જ દરેક પડકારોનો સામનો કરવાની શક્તિ આપે છે અને સપનાઓ પૂરા કરવાની તાકાત પૂરી પાડે છે. મોદીએ ટોક્યો ઓલ્મ્પિકની વાત કરતા તેમણે કહ્યું હતું કે, આઝાદી બાદ આ વખતે કોરોના મહામારી વચ્ચે પણ સૌથી વધુ ખેલાડીઓ ઓલિમ્પિકમાં ભાગ લઇ રહ્યા છે. જેમાંથી કેટલીક રમતો એવી છે કે, જેમાં ભારતના ખેલાડીઓ પ્રથમ વખત ક્વોલિફાઇ થઇને ભાગ લઇ રહ્યા છે. એટલું જ નહીં, વિશ્વના અન્ય ખેલાડીને ટક્કર આપી રહ્યા છે. ભારતના રમતવીરોનો જોશ, ઝૂનૂન આજે સર્વોચ્ચ સ્તર ઉપર છે. આ આત્મવિશ્વાસ ત્યારે આવે છે, જ્યારે વ્યવસ્થામાં બદલાવ સાથે પ્રતિભાની સાચી ઓળખ કરી તેને માવજત અને પ્રોત્સાહિત કરવામાં આવે છે. ભારતના રમતવીરોનો આ આત્મવિશ્વાસ નવા ભારતની ઓળખ બની છે.