વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ હેઠળ બાળકો સાથે વાતચીત કરી. આ કાર્યક્રમમાં પીએમએ કહ્યું કે, આશા છે કે, પરીક્ષાની તૈયારી સારી રીતે ચાલતી હશે. આ પહેલો વર્ચુઅલ પ્રોગ્રામ હતો.મોદીએ કહ્યું કે, વર્તમાન કોરોના મહામારીના કારણે રૂબરૂ મળવું શક્ય ન હોવાથી આ નવા ફોર્મેટમાં આવવું પડ્યું છે. કોરોના મહામારીના કારણે વિદ્યાર્થીઓએ જીવન એક વર્ષ ગુમાવ્યું હશે પરંતુ તેઓ આવશ્યક ચીજવસ્તુઓના સાચા મૂલ્યના ઘણા પાઠ શીખ્યા છે. કોરોના મહામારીએ આપણને અણધારી મુશ્કેલી સામે લડવાનું શીખવ્યું છે. તેમજ, પરિવારોના ભાવનાત્મક બંધનને વધુ મજબુત બનાવ્યા છે.પહેલાં માતાપિતા બાળકો સાથે વધુ સંકળાયેલા રહેતા હતા. આજે મોટાભાગના કારકિર્દી, અભ્યાસ અને અભ્યાસક્રમમાં સંકળાયેલા રહે છે. જેના કારણે માતપિતા બાળકોની ક્ષમતા જાણી શકતા નથી. તેઓ એટલા વ્યસ્ત હોય છે કે તેમની પાસે બાળકો માટે સમય નથી હોતો. જેથી તેમણે બાળકોની ક્ષમતા જાણવા બાળકોની પરીક્ષા જોવી પડે છે. તેથી, તેમનું ક્ષમતાનું પ્રદર્શન પણ પરિણામ પૂરતું મર્યાદિત થઈ ગયું છે. પરીક્ષા એ જીવન બનાવવાની તક છે. તેને તે રૂપે લેવી જોઈએ. પરીક્ષામાં જે સરળ હોય તેને નહીં પરંતુ જે મુશ્કિલ હોય તેને પહેલા લખો. જેના કારણે સરળ વધુ સરળ બની જશે. બધા વિધાર્થીઓ દરેક વિષયમાં નિપુણ હોતા નથી. કોઈ પણ એક વિષય પર તેમની સારી પકડ હોય છે. જો તમને કોઈ વિષય મુશ્કેલ લાગે છે, તો તેનાથી ભાગશો નહીં. તેમણે કહ્યું કે, શિક્ષકોને મારી સલાહ છે કે, તેઓને અભ્યાસક્રમની બહાર જઇને ટાઇમ મેનેજમેન્ટ વિશે વાત કરો. તેમને બોલવા કરતાં માર્ગદર્શન આપો. કારણ કે, વારંવાર બોલવાથી મન પર નકારાત્મક અસર પડે છે. મોદીએ કહ્યું કે, જ્યારે ખાલી સમય મળે ત્યારે આપણે પોતાની જિજ્ઞાશા વધારવા અંગે વિચાર કરવો જોઇએ. ખાલી સમયમાં પોતાને કેટલીક પ્રવૃત્તિઓ સાથે જોડી લો જેવી કે, સંગીત કરો, લેખન કરો અને પોતાના વિચારોને વ્યક્ત કરવાની તક આપો. માતાપિતાએ વિચારવું જોઈએ કે, તમે તમારા બાળકોને જકડી રાખવાનો પ્રયાસ તો નથી કરી રહ્યા ને. બાળકોને પોતાના જીવનનો માર્ગ પસંદ કરવામાં છૂટ આપવી જોઈએ. આ કાર્યક્રમમાં અંગે શિક્ષણમંત્રી રમેશ પોખરીયલ નિશાંકે કહ્યું છે કે, ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ વિદ્યાર્થીઓને પરીક્ષાના તણાવને દૂર કરવામાં અને તેમનું મનોબળ વધારવામાં મદદ કરે છે. તેમણે કહ્યું કે આ પહેલીવાર થયું છે જ્યારે 81 દેશોના વિદ્યાર્થીઓએ રચનાત્મક લેખન સ્પર્ધામાં ભાગ લીધો હતો.
