પંજાબ નેશનલ બેંક કૌભાંડનો આરોપી મેહુલ ચોક્સી ભેદી રીતે ગુમ

પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) કૌભાંડના આરોપી ભાગેડુ મેહુલ ચોકસી હવે એન્ટિગુઆ-બારબુડાથી પણ ગુમ થયેલો હોવાનું જાણવા મળ્યું છે. ત્યાંના મીડિયાના જણાવ્યા મુજબ, પોલીસ રવિવારથી ચોકસીને શોધી રહી છે. ચોકસી છેલ્લીવાર રવિવારે સાંજે 5.15 વાગે તેની કારમાં જોવા મળ્યો હતો. તેની કાર તો મળી ગઈ છે, પરંતુ ચોકસીની કોઈ જાણ મળી રહી નથી. આ બાબતે પોલીસે તેના વકીલને પણ જણાવી દીધું છે, પરંતુ તેમનો કોઈ જવાબ મળ્યો નથી. 14500 કરોડ રૂપિયાનો પીએનબી કૌભાંડનો આરોપી ચોકસી જાન્યુઆરી 2018માં વિદેશ ભાગી ગયો હતો. બાદમાં જાણવા મળ્યું હતું કે તે 2017માં જ એન્ટિગુઆ-બારબુડાની નાગરિકતા મેળવી ચૂક્યો હતો. પીએનબી કૌભાંડની તપાસ કરી રહેલી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) જેવી એજન્સીઓ ચોકસીના પ્રત્યાર્પણ માટે પ્રયાસ કરી રહી છે. તેણે નાદુરસ્ત તબિયતનું કારણ જણાવીને ભારત આવવા બાબતે ઇનકાર કર્યો હતો. કેટલીકવાર તેને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રજૂઆત કરી હતી. ભારતમાં તેની ઘણી સંપત્તિ પણ જપ્ત કરવામાં આવી છે. આ કૌભાંડનો મુખ્ય આરોપી ચોકસીનો ભાણો નીરવ મોદી છે, જે લંડનની જેલમાં છે. ત્યાંની અદાલત અને સરકારે પણ તેના પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે, પરંતુ નીરવે પ્રત્યાર્પણ કરવાના નિર્ણયને લંડન હાઈકોર્ટમાં પડકાર્યો છે. આ મામલે હાઇકોર્ટેનો નિર્ણય આવવામાં 10થી 12 મહિનાનો સમય લાગી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *