આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી, જેમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં વડાપ્રધાન કાર્યાલય ઉપરાંત વિવિધ વિભાગોના અધિકારીઓ જોડાયા હતા. બેઠકમાં પીએમ મોદીએ ગામડાઓમાં ઘરે-ઘરે જઇને સર્વે અને ટેસ્ટ કરવા માટે જણાવ્યું છે. વડાપ્રધાને વેન્ટિલેટરોનો ઉપયોગ ન થવા અંગે નારાજગી વ્યક્ત કરી હતી. બેઠકમાં અધિકારીઓએ વડાપ્રધાનને દેશમાં કોવિડ સંબંધિત સ્થિતિ અંગે જાણકારી આપી હતી. બેઠકમાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ખાસ કરીને તે રાજ્યો માટે સ્થાનિક નિયંત્રણ રણનીતિની જરૂર છે, જ્યાં જિલ્લાઓમાં ટીપીઆર વધુ છે. વડાપ્રધાને ઘેર-ઘેર જઇને તપાસ કરવા અને દેખરેખ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ગ્રામિણ વિસ્તારોમાં સ્વાસ્થ્ય સંસાધનોને વધારવા માટે જણાવ્યું છે. તેમણે તમામ જરૂરી ઉપકરણો સાથે આશા અને આંગણવાડી કાર્યકર્તાઓને સશક્ત બનાવવા અંગે પણ જણાવ્યું હતું.
