વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ગુજરાતમાં ત્રાટકેલા વાવાઝોડાથી થયેલી તારાજીનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. ભાવનગર, અમરેલી, ઉના, ગીર-સોમનાથ અને કેન્દ્રશાસિત પ્રદેશ દિવનું હવાઈ નિરક્ષણ કર્યા બાદ પીએમ મોદીએ અમદાવાદમાં સીએમ વિજય રૂપાણી સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક હાથ ધરી હતી. આ બેઠક બાદ સાંજે પીએ મોદીએ ગુજરાતને તાત્કાલિક ધોરણે કેન્દ્ર સરકાર તરફથી રૂ. 1,000 કરોડની સહાયની જાહેરાત કરી હતી. આગામી સમયમાં કેન્દ્રની ટીમ ગુજરાત આવશે અને વાવાઝોડાથી થયેલા નુકસાનનું ચોક્કસ આકલન કરશે.વડાપ્રધાન મોદીએ વાવાઝોડાથી જે લોકોના મોત થયા છે તેમના પરિવારજનોને રૂ. 2-2 લાખની સહાયની જાહેરાત કરી હતી તેમજ ઈજાગ્રસ્તોને રૂ. 50,000ની સાહય આપવા જણાવ્યું હતું. પીએમ નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં તાઉતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરીને આકલન કર્યા બાદ અમદાવાદ પહોંચીને સમગ્ર સ્થિતિની સર્વ ગ્રાહી સમીક્ષા અને પરિસ્થતિની વિગતો એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં કરી હતી.મુખ્યમંત્રી વિજય રૂપાણી, મુખ્યસચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસ નાથન, મહેસૂલ અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતી રવિ તેમજ રાહત કમિશનર હર્ષદ પટેલ અને સાયન્સ ટેકનોલોજી સચિવ હારિત શુક્લા આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પીએમને વાવાઝોડાની સ્થિતિનો ચિતાર આપ્યો હતો.
