પાકિસ્તાનના નેશનલ એસેમ્બલીના અધ્યક્ષ અસદ કૈઝરે બુધવારે શાસક પક્ષના ત્રણ સભ્યો સહિત સાત સાંસદોના ગૃહમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. કારણ કે, બજેટ પર ચર્ચા દરમિયાન નાણાં અને વિપક્ષી સમિતિના સંસદ સભ્યોએ અપશબ્દોનો પ્રયોગ કર્યો હતો અને બજેટની નકલો એકબીજા પર ફેંકી હતી. અધ્યક્ષ કૈઝરે કહ્યું કે, નેશનલ એસેમ્બલીમાં વિપક્ષી નેતા શેહબાઝ શરીફના ભાષણ દરમિયાન સત્રને અવરોધનારા સભ્યોને ગૃહમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કારણ કે, તેમનું વર્તન ‘અસંસદીય’ અને ‘અયોગ્ય’ હતું. તેઓએ નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું અને અધ્યક્ષ દ્વારા વારંવાર નિર્દેશ આપવા છતાં તેમણે ગૃહની કાર્યવાહીમાં વિક્ષેપ સર્જ્યો હતો. જેમાં, પીટીઆઈ અને પીએમએલ-એન સાથે જોડાયેલા ત્રણ સભ્યો અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના એક સભ્યને સત્રમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો કે, પાકિસ્તાન માટે આ નવી બાબત નથી અહીં વારંવાર આવી ઘટનાઓ બનતી જ રહે છે. અહીંના નેતાઓનો પ્રજા પર કાબૂ નથી અને નેતાઓ કરતાં સેનાનું પ્રભુત્વ વધારે છે. અહીં લાંબા સમયથી વડા પ્રધાન ઇમરાન ખાનને હટાવવાની મુહિમ પણ ચાલી રહી છે અને તેના માટે મરિયમ શરીફ મહત્વની ભૂમિકા ભજવી રહી છે જો કે, આજે નેશનલ એસેમ્બલીમાં બનેલી ઘટનાને પાકિસ્તાનની જનતા પણ નકારી રહી છે. પાકિસ્તામાં એક મોટો વર્ગ છે જે જૂનવાણી નથી અને પાકિસ્તાનનો વિકાસ ઇચ્છે છે જેના કારણે તેઓ પાકિસ્તામાં આવી ઘટના બને તેનો વિરોધ કરે તે સ્વાભાવિક છે.
