વિપક્ષી દળોએ રાહુલ ગાંધીની બેઠકમાં હાજરી આપી

વિપક્ષી દળોના નેતાઓએ મંગળવારે અહીં કોન્સ્ટિટ્યુશન ક્લબમાં કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા આયોજીત નાસ્તાની બેઠકમાં હાજરી આપી હતી. આ બેઠકમાં વિપક્ષી એકતા પર ભાર મૂકવામાં આવ્યો હતો. કૉંગ્રેસના લગભગ 100 સાંસદો ઉપરાંત તૃણમૂલ કૉંગ્રેસ, એનસીપી, શિવસેના, ડીએમકે, સીપીઆઈ-એમ, સીપીઆઈ, આરજેડી અને સમાજવાદી પાર્ટી સહિત અનેક વિપક્ષી દળોના નેતાઓએ આ બેઠકમાં હાજરી આપી હતી. આ ઉપરાંત, જેએમએમ, જેકેએનસી, આઇયુએમએલ, આરએસપી, કેસીએમ, એલજેડી અને આરએસપીના નેતાઓ પણ બેઠકમાં હાજર હતા. નાસ્તા માટેની બેઠકમાં 17 વિપક્ષી દળોના નેતાઓને આમંત્રિત કરાયા હતા. પરંતુ, બહુજન સમાજ પાર્ટી (બસપા) અને આમ આદમી પાર્ટી (આપ)ના નેતાઓ હાજર રહ્યા નહોતા. રાહુલ ગાંધીએ બેઠકમાં કહ્યું કે, તમને આમંત્રણ આપવાનો એકમાત્ર હેતુ એ છે કે આપણે એક થવું જોઈએ. આપણો અવાજ જેટલો એક થશે તેટલો જ શક્તિશાળી બનશે. તેમજ, ભાજપ અને આરએસએસ માટે આ અવાજને દબાવવો વધુ મુશ્કેલ બનશે. રાહુલ ગાંધી ઉપરાંત કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓ મલ્લિકાર્જુન ખડ઼ગે, અધીર રંજન ચૌધરી, કેસી વેણુગોપાલ, આનંદ શર્મા અને પી ચિદમ્બરમ બેઠકમાં હાજર રહ્યા હતા.

પેગાસસ જાસૂસી મુદ્દે વિપક્ષ અને સરકાર વચ્ચે સતત વિવાદ વચ્ચે સંસદમાં ચર્ચા અને આ મામલે સુપ્રીમ કૉર્ટની દેખરેખ હેઠળ તપાસની માંગણી વચ્ચે આ બેઠક યોજાઇ હતી. જો કે, સરકાર કહી રહી છે કે, આ એક બિનજરૂરી-મુદ્દો છે અને તે નથી ઇચ્છતી કે તેની ચર્ચા સંસદમાં થાય. મલ્લિકાર્જુન ખડ઼ગેએ બેઠકમાં કહ્યું કે, સરકારમાં કોઈ સાંભળી રહ્યું નથી. તેથી અમે ભેગા થવાનો નિર્ણય કર્યો છે. વિપક્ષ એક છે અને અમે બધા સાથે છીએ. કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિપક્ષી દળોએ મંગળવારે સંસદ સુધી સાઇકલ રેલી કાઢી હતી. કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સંસદમાં પેગાસસ અને ઈંધણના ભાવવધારાના મુદ્દે સરકારને ઘેરવા માટે વિપક્ષની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં કુલ 14 વિપક્ષી દળોએ ભાગ લીધો હતો. આ બેઠકનું નેતૃત્વ રાહુલ ગાંધીએ કર્યું હતું.

કોન્સ્ટિટ્યુશન ક્લબમાં બેઠક બાદ કૉંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ સાઈકલ રેલી સંભાળી હતી. આ રેલીમાં કૉંગ્રેસના અધીર રંજન ચૌધરી, કાર્તિ ચિદમ્બરમ, ગૌરવ ગોગોઈ અને અન્ય નેતાઓ જોવા મળ્યા હતા.રાહુલ ગાંધીએ કહ્યું કે, જ્યાં સુધી ઈંધણના ભાવની વાત છે, ભારતના લોકો સંઘર્ષ કરી રહ્યા છે અને જો આપણે અહીંથી સંસદ સુધી સાઈકલ ચલાવીને જઈએ તો તેની જરૂર અસર થશે. આ સાઇકલ રેલીમાં આરજેડી વતી મનોજ ઝા સાઇકલ રેલીમાં જોડાયા હતા. મનોજ ઝાએ કહ્યું કે, વિપક્ષની સંયુક્ત બેઠકમાં ઘણા વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. સમગ્ર વિપક્ષ એકજૂટ છે અને સરકારને ઘેરવા માટે તૈયાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *