દેશમાં ઈંધણમાં ભાવમાં વધારો કરવામાં આવ્યા બાદ રાજસ્થાન બાદ હવે ઑડિશામાં ડીઝલની કિંમત 100 રૂપિયા પ્રતિ લિટરના આંકને વટાવી ગઈ છે. રાજ્યની માલિકીની ઓઇલ કંપનીઓ દ્વારા જારી કરવામાં આવેલીપ્રાઈસ નોટિફિકેશન મુજબ, દેશમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 28 પૈસા અને ડીઝલમાં 26 પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં પેટ્રોલ 97.50 રૂપિયા પ્રતિ લિટરની સર્વાધિક સપાટીએ પહોંચ્યું છે,જ્યારે ડીઝલની કિંમત હવે પ્રતિ લિટર 88.23 રૂપિયા થઈ ગઈ છે. વેટ અને સ્થાનિક કરના આધારે જુદા જુદા રાજ્યોમાં ઇંધણના ભાવો બદલાય છે. જેના કારણે આ પહેલા જ કેટલાક સ્થળોઐ પેટ્રોલ અને ડીઝલના ભાવ 100 રૂપિયાની સપાટીને વટાવી ગયા છે.
આ મહિનાની શરૂઆતમાં દેશના સૌથી વધુ ઉપયોગમાં લેવાતા ઇંધણ ડીઝલનો ભાવ રાજસ્થાનના શ્રી ગંગાનગર અને હનુંમાંન્ગર્હમાં 100 રૂપિયા પ્રતિ લિટરની સપાટીને પાર કરી ગયો હતો. હવે, ઑડિશાના મલકાનગિરીના ભાવ (101.12 રૂપિયા પ્રતિ લિટર) અને કોરાપુટ (100.46 રૂપિયા પ્રતિ લિટર)ના સ્તર સાથે 100 રૂપિયા પ્રતિ લિટરની સપાટીને પાર ગયો છે. આ સાથે નવ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો – રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગણા, કર્ણાટક, જમ્મુ અને કાશ્મીર, ઑડિશા અને લદ્દાખમાં પેટ્રોલ પહેલાથી જ 100 રૂપિયાની સપાટીને પાર કરી ગયું છે. તેમજ મેટ્રો શહેરો મુંબઈ, હૈદરાબાદ અને બેંગલુરુમાં પણપેટ્રોલનો ભાવ પહેલાથી જ 100 રૂપિયાને પાર કરી ગયો છે.
મુંબઈમાં હવે પેટ્રોલની કિંમત 103.63 રૂપિયા પ્રતિ લિટર છે અને ડીઝલ 95.72 રૂપિયા પ્રતિ લિટરે વેચાઈ રહ્યું છે. દેશમાં 4 મે પછી પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં થયેલો આ 28મો વધારો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પશ્વિમ બંગાળની ચૂંટણી પત્યા પછી દેશમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. આગામી દિવસોમાં પણ આ ભાવ પર કોઇ કાબૂ આવે તેવી શક્યતા નથી કારણ કે, દેશમાં પેટ્રોલ પર લાગતો ટેક્સ ખૂબ ઊંચો છે અને કેન્દ્ર સરકારના મંત્રી એવી જાહેરાત કરી ચૂક્યા છે કે, કોરોના જેવા કપરાં કાળમાં સરકારને મોટો ખર્ચ થયો છે અને આવા સંજોગોમાં પેટ્રોલ અને ડિઝલ પર ટેક્સ ઘટાડી શકાય તેમ નથી આ જ કારણસર આગામી દિવસોમાં પેટ્રોલ ડિઝલના ભાવમાં ઘટાડો જોવા મળે તેવી સ્થિતિ હાલમાં તો દેખાઇ રહી નથી.