કુંભમેળાના આયોજન વચ્ચે કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે નિરંજની અખાડાના સચિવ રવીન્દ્ર પુરીએ જાહેરાત કરી છે કે તેમના માટે કુંભમેળો પૂરો થઈ ગયો છે. તેમણે જણાવ્યું હતું કે કુંભનું મુખ્ય શાહી સ્નાન પૂરું થઈ ગયું છે અને તેમના અખાડાના સાધુ-સંતોમાં કોરોનાનાં લક્ષણો દેખાયાં છે.કોરોનાની સ્થિતિને જોતાં નિરંજની અખાડા બાદ અન્ય 5 સંન્યાસી અખાડા પણ કુંભ સમાપ્તિની જાહેરાત કરી શકે છે. હરિદ્વારમાં કુંભમેળાનો સમય 30 એપ્રિલ સુધી છે, પણ છેલ્લા 5 દિવસમાં અહીં કોરોનાના 2,167 કેસ સામે આવી ચુક્યા છે. તેમ છતાં અધિકારીઓનું કહેવું છે કે કુંભમેળો 30 એપ્રિલ સુધી ચાલશે. જોકે હવે અખાડા દ્વારા જાતે જ કુંભમેળો પૂરો થવાની જાહેરાત કરવા લાગ્યા છે.
