દેશમાં એક દિવસમાં કોરોનાના નવા 41,506 કેસ નોંધાયા હતા. આ સાથે કુલ કેસની સંખ્યા વધીને 3,08,37,222 થઈ ગઈ છે. જ્યારે, સક્રિય કેસની સંખ્યા ઘટીને 4,54,118 થઈ ગઈ છે. એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રવિવારે આંકડા અપડેટ કરતાં જણાવ્યું હતું. દેશમાં કોરોનાના કારણે વધુ 895 મોત સાથે કુલ મૃત્યુઆંક 4,08,040 પર પહોંચી ગયો છે. સવારે 8 વાગ્યે અપડેટ કરવામાં આવેલા આંકડા દર્શાવે છે કે, સક્રિય કેસો દેશના કુલ કેસના 1.47 ટકા છે. જ્યારે કોરોના સામે સાજા થવાનો દર વધીને 97.20 ટકા થયો છે.
શનિવારે 18,43,500 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે અત્યાર સુધીમાં કુલ 43,08,85,470 ટેસ્ટ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, દૈનિક પોઝિટિવિટી દર 2.25 ટકા નોંધાયો હતો. જે સતત 20 દિવસથી ત્રણ ટકાથી ઓછો રહ્યો છે. જ્યારે, સાપ્તાહિક પોઝિટિવિટી રેટ ઘટીને 2.32 ટકા થયો છે. મંત્રાલયના આંકડા અનુસાર, દેશમાં કોરોનાને માત આપી સ્વસ્થ થનાર લોકોની સંખ્યા વધીને 2,99,75,064 થઈ ગઈ છે અને મૃત્યુદર 1.32 ટકા નોંધાયો છે. દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં રસીના કુલ 37.60 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં મૃત્યુ પામેલા 895 લોકોમાં મહારાષ્ટ્રનાં 494 અને કેરળનાં 109 લોકોનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોનાના સંક્રમણ પર મહદઅંશે કાબૂ મેળવી લેવાયો છે પરંતુ જે રીતે લોકો રજાના દિવસોમાં પર્યટન સ્થળે તેમજ સામાન્ય દિવસોમાં બજારોમાં ભીડ એકત્ર કરી રહ્યાં છે. આ સમયે મોટાભાગના લોકો માસ્ક વગરના નજરે પડે છે અથવા તો સોશિયલ ડિસ્ટન્સનો સદંતર અભાવ જોવા મળે છે. આવી સ્થિતિના કારણે કોરોના ફરી વકરી શકે છે તેવી આશંકા ભારતનું આરોગ્ય વિભાગ પહેલાથી જ વ્યક્ત કરી ચૂક્યું છે. એટલે કોરોનાના ઘટી ગયેલા કેસની સાથે સાથે સાવચેતી રાખવી પણ ખૂબ જ જરૂરી છે.