અમદાવાદ સ્થિત સોલા હોસ્પિટલ ખાતેથી એક નવજાત બાળકીની ચોરી થતાં પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અહીં ત્રીજા માળે આવેલા વોર્ડમાંથી બાળક ગાયબ થયું છે. આ ઘટનાની જાણ થતાંની સાથે જ પોલીસ વિભાગ અને હોસ્પિટલ તંત્ર હરકતમાં આવી ગયુ હતું. પોલીસે હાલમાં હોસ્પિટલમાં લાગેલા ક્લોઝ સર્કિટ કેમેરા ચકાસવાના શરૂ કર્યા છે. જો કે કમનસીબીની વાત એ પણ છે કે, જે વોર્ડમાંથી બાળકની ચોરી થઇ છે તે વોર્ડના જ કેમેરા બંધ હાલતમાં છે. મૂળ ઉત્તર પ્રદેશના અમેઠીના સરસ્વતીબેન રાજેન્દ્રભાઇ પાસીને પ્રસૂતિ પીડા ઉપડતા તેમને 31મી ઓગસ્ટના રોજ સોલા સિવિલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. તેણને પીએનબી વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતાં. અહીં બુધવારે મધ્યરાત્રિ દરમિયાન તેમની બાળકી ચોરાઇ ગઇ હતી. વોર્ડમાં લોકો નિંદર માણી રહ્યાં હતા તે દરમિાયન અને તે તકનો લાભ લઇને બાળકીને ઉપાડી લેવામાં આવી હોવાનું પ્રાથમિક તબકકે લાગી રહ્યું છે. કોઇ વ્યક્તિ પહેલાથી જ અપહરણ કરવા માટે વોર્ડમાં હાજર હતી કે પછી કોઇ નજીકની વ્યક્તિની સંડોવણી છે તે તમામ પાસા હાલમાં પોલીસ ચકાસી રહી છે. પરંતુ અહીં સૌથી મોટો સવાલ એ છે કે, એક બાળકી ગાયબ થઇ જાય અને તે પણ મધરાતે તે સમયે સિક્યુરિટી ગાર્ડ શુ કરી રહ્યાં હતા આ ઉપરાંત વોર્ડમાં જેમની નાઇટ ડ્યુટી હતી તેમના પર પણ પ્રશ્નો ઉભા થઇ રહ્યાં છે.
