બિહારના દિગ્ગજ નેતા રામવિલાસ પાસવાને બનાવેલી લોકજનશક્તિ પાર્ટીમાં મોટું ભંગાણ પડ્યું છે અને તેનાથી સૌથી મોટુ નુકસાન ચિરાગ પાસવાનને થયું છે. બિહારની રાજનિતીમાં યુવા ચહેરાઓમાં તેજસ્વી યાદવ અને ચિરાગ પાસવાનનો સમાવેશ થાય છે. કેન્દ્રમાં જ્યારે હવે મંત્રી મંડળના વિસ્તરણની વાત છે ત્યારે જ આ ભંગાણ સર્જાતા અનેક રાજકીય તર્કવિતર્ક વહેતા થયાં છે. લોક જનશક્તિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાનને બિહાર વિધાનસભાની ચૂંટણી એનડીએથી અલગ થઇને લડવાનું ભારે પડી ગયું હોવાની ચર્ચા બિહારના રાજકારણમાં ચાલી રહી છે. પાર્ટીના પાંચ સાંસદ સભ્યોએ ભેગા મળીને ચિરાગ પાસવાનને તેના તમામ હોદ્દાઓ પરથી હટાવી દીધા છે. લોકજનશક્તિ પાર્ટીના તમામ નેતાઓએ તેમના જ સગા કાકા પશુપતિકુમાર પારસને સર્વાનુમતે નેતા જાહેર કરી દીધા છે. તેમને રાષ્ટ્રીય અધ્યક્ષ જાહેર કરવાની સાથે સાથે તેમને સંસદીય દળના નેતાનો કાર્યભાર પણ સોપી દેવામાં આવ્યો છે. લોક જનશક્તિ પાર્ટીમાં પડેલા આ ભંગાણનું કારણ ભાજપ અને જનતા દળ યુનાઇટેડ સાથે ચિરાગ પાસવાનના મતભેદોને માનવામાં આવે છે. લોક જનશક્તિ પાર્ટીના પાંચેય સાંસદો પશુપતિકુમાર પારસ, ચૌધરી મહેબુબ અલી કૌશર, વીણાસિંહ, ચંદનસિંહ અને પ્રિન્સરાજસિંહના રસ્તાઓ હવે ચિરાગ પાસવાનથી અલગ થઇ ગયા છે. રવિવારે મોડી રાત્રે સાંસદો વચ્ચે થયેલી બેઠક પછી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ નિર્ણયની જાણકારી લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને પણ આપી દેવામાં આવી છે. સાંસદોએ તેમને તેમના અધિકાર પત્રો પણ સોંપી દીધા હોવાની જાણકારી મળી રહી છે. સોમવારે આ નિર્ણયની જાણકારી ચૂંટણી પંચને પણ આપી દેવામાં આવી હતી. જો કે, બીજી તરફ પક્ષના પ્રવક્તા અશરફ અન્સારીએ પાર્ટીમાં આવું કોઇપણ ભંગાણ સર્જાયું હોવાની વાતથી ઇનકાર કરી દીધો છે. 21 વર્ષ પહેલા એટલે કે 2000ના વર્ષમાં રામવિલાસ પાસવાને લોકજનશક્તિ પાર્ટીની રચના કરી હતી. રામવિલાસ પાસવાનનું નિધન થઇ જતાં તેનો સીધો લાભ તેમના પુત્ર ચિરાગ પાસવાનને મળી ગયો હતો. બિહાર વિધાનસભાની ચૂંટણી યોજાઇ ત્યારે ચિરાગ પાસવાને તેમને મોદીના હમુમાન તરીકે ઓળખાવ્યા હતા પરંતુ એનડીએથી અલગ થઇને તેમણે ચૂંટણી લડી હતી તે નિર્ણયથી તેમના કાકા પશુપતિકુમાર પારસ નારાજ હતા અને ત્યારથી જ પાર્ટીમાં અંદર ખાને કલહ શરૂ થઇ ગયો હતો જો કે હવે આ મતભેદો સપાટી પર આવી ગયા છે.
