21 જૂલાઇને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ ઉજવણી માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયા ભરમાં કરવામાં આવે છે. ભારતના ઋષી મુનિઓ વર્ષોથી યોગ કરતાં આવ્યા છે અને સંતો મહંતો યોગને પણ સાધનાનો જ એક ભાગ ગણે છે. ભારત પાસે દુનિયો આપવા માટે બે જ વસ્તુઓ છે જેમાં એક છે યોગ અને બીજુ છે આયુર્વેદ. આજે વિશ્વ યોગ દિવસ પર ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઓનલાઇન સંદેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, થોડા વર્ષો પહેલા લોકોમાં યોગ માટે આટલી જાગૃતિ ન હતી પરંતુ હવે લોકોમાં તેના માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમણે વધુમાં એવું પણ કહ્યું કે, કોરોના જેવા કપરા કાળમાં જો કોઇ આશાનું કિરણ હોય તો તે માત્રને માત્ર યોગાસન છે. તેમણે યોગ ઉપર એક એપ્લિકેશન બનાવવાની પણ જાહેરાત કરી છે જે એપ્લિકેશન દ્વારા લોકો જુદા જુદા યોગ અને આશન ઘર બેઠા જ શીખી શકશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારતના જુદા જુદા શહેરોમાં અને ગામડાઓમાં આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કેટલાક લોકોએ તેમની અગાશી પર જઇને તો કેટલાંક લોકોએ ખુલ્લા મેદાનમાં જઇને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી. કેટલાક લોકોએ શાળાઓમાં તો કેટલાક લોકોએ હોલમાં યોગનું આયોજન કર્યું હતું. ઇન્ડિયન તિબેટિયન બોર્ડર પોલીસના જવાનોએ તો 18000 ફિટ ઊંચે સરહદ પર યોગ કરીને આ દિવસની ઊજવણી કરી હતી. આ વખતે કોરોના કાળ ચાલી રહ્યો હોવાથી ભીડ નહીં થાય તે ખૂબ જરૂરી છે જેના કારણે લોકોએ સામાજિક અંતર રાખવાનું જ નક્કી કરીને ઓનલાઇન યોગની પણ ઊજવણી કરી હતી. કોરોનાના કારણે કોઇપણ શહેરમાં મોટુ આયોજન કરવામાં આવ્યું ન હતું. વર્ષો પછી એવું જોવા મળ્યું હતું કે, મોટા આયોજનના બદલે લોકોએ ઓનલાઇન યોગ કરવાનું પસંદ કર્યું હતું.
જુદા જુદા સરકારી વિભાગોએ પણ આજ પદ્ધતિ અપનાવી હતી. યોગાસનએ એક એવી પ્રક્રિયા છે જે ભારતમાં આદિકાળથી ચાલી આવી છે અને ભારતના સંતો મહંતોને યોગના અસરકારક પરિણામ પણ મળ્યા છે. વિશ્વના લોકોમાં પહેલા યોગની જાણકારી ખૂબ જ ઓછી હતી પરંતુ હવે જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ તેનો પ્રચાર વધી રહ્યો છે. હવે તો વિદેશમાં પણ યોગના અનેક ક્લાસિસ ચાલી રહ્યાં છે અને વિદેશીઓ પણ આ પ્રક્રિયામાં મોટા પાયે જોડાઇ રહ્યાં છે. હવે તો તેનો પ્રચાર આખી દુનિયામાં થઇ રહ્યો છે. આજે વિશ્વ યોગ દિન નિમિતે ન્યૂયોર્કના ટાઇમ્સ સ્કવેર પણ યોગ દિન નિમિતે લોકો એકત્ર થયા હતા અને આશરે બે થી ત્રણ હજાર જેટલા લોકોએ સામુહિક સૂર્ય નમસ્કાર કર્યો હતો અને ત્યાં અદભૂત નઝારો જોવા મળ્યો હતો.