જમ્મુ કાશ્મીરના નેતાઓ સાથે આજે ગૃહ મંત્રી અમિત શાહ અને નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરના નેતાઓ સાથે દિલ્હી ખાતે કરેલી બેઠકમાં 14 નેતાઓ હાજર રહ્યાં હતાં. આ મુલાકાત પછી જમ્મુ કાશ્મીરમાં અપની પાર્ટીના નેતા અલતાફ બુખારીએ કહ્યું હતું કે, તેમની વચ્ચે ખૂબ જ સારા માહોલમાં બેઠક યોજાઇ હતી. ચૂંટણી પ્રક્રિયા ખૂબ જ ઝડપથી શરૂ કરાશે તેવી ચર્ચા પણ આ બેઠકમાં કરવામાં આવી હતી. પરિસિમનની પ્રક્રિયા પછી જ તરત જ ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે પરંતુ પરિસિમનની પ્રક્રિયા ક્યારે પૂર્ણ થશે તે અંગે કોઇ જાણકારી આપવામાં આવી નથી. આ બેઠકમાં દરેક નેતાઓએ તેમના મનની વા રજૂ કરી હતી. મહેબુબા મુફ્તીએ કલમ 370 રદ થવા અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીરમાં ફરી 370ની કલમ લાવીને રહીશું જો કે, તેનો માર્ગ શાંતિનો હશે.
દિલ્હી ખાતે યોજાયેલી આ બેઠકમાં જમ્મુ કાશ્મીરના ચાર પૂર્વ મુખ્યમંત્રી હાજર રહ્યાં હતાં. જેમાં પીડીપીના મહેબુબા મુફ્તી, નેશનલ કોન્ફોરન્સના ડો. ફારૂક અબદુલ્લા, ઓમર અબદુલ્લા તેમજ કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કરીને ભારતીય જનતા પાર્ટીનું શાસન ધરાવતી કેન્દ્ર સરકારે બે વર્ષ પહેલા કલમ 370 નાબૂદ કરી નાંખી હતી અને ત્યાર બાદ જમ્મુ અને કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો પણ હટાવી દીધો હતો તેમજ લડાખને અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરી દીધો હતો. આ પગલું ભરવા માટે જમ્મુ કાશ્મીરમાં કર્ફયૂ લાદી દેવામાં આવ્યો હતો તેમજ મોબાઇલ સુવિધા પણ બંધ કરી દેવામાં આવી હતી. એટલું જ નહીં પરંતુ જમ્મુ કાશ્મીરની સ્થાનિક પાર્ટીઓના નેતા તેમજ અલગાવવાદી નેતાઓને નજર કેદ કરી દીધા હતા.
આઝાદ ભારતના ઇતિહાસમાં આ એક મહત્વપૂર્ણ પગલું હતું.
કલમ 370 નાબૂદ કરવાના ભારત સરકારના પગલાંનો સ્થાનિક નેતાઓએ ભારે વિરોધ કર્યો હતો. જો કે, તેમાં તેમને કોઇ સફળતા મળી ન હતી અને હાલમાં જમ્મુ અને કાશ્મીર રાબેતા મુજબ ધબકતું થઇ ગયું હતું. આ પગલા પછી ભારત સરકાર સાથે જમ્મુ કાશ્મીરના વિપક્ષી નેતાઓની આ પહેલી બેઠક યોજાવા જઇ રહી હોવાથી તેના પર સમગ્ર દુનિયાની નજર છે. આ બેઠક પહેલા છેલ્લા બે દિવસથી જમ્મુમાં પીડીપી નેતા મહેબુબા મુફ્તી વિરૂધ્ધ ભારે વિરોધ પ્રદર્શન થઇ રહ્યું છે. મહેબુબા મુફ્તીએ ભારતે પાકિસ્તાન સાથે પણ વાર્તાલાપ કરવો જોઇએ તેવું નિવેદન કર્યું હતું જેના કારણે જમ્મુના લોકોમાં ભારે ઉશ્કેરાટ જોવા મળી રહ્યો છે અને તેઓ બે દિવસથી સૂત્રોચ્ચાર કરીને વિરોધ દર્શાવી રહ્યાં છે.