મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત થોડા દિવસ પહેલા જ નક્કી થઇ ગઇ હતી પરંતુ જ્યારથી આ બંને મળવાના હોવાની બહાર આવી હતી ત્યારથી જ જુદા જુદા માધ્યમોની આ મુલાકાત પર નજર હતી. આ તમામ અટકળો વચ્ચે મંગળવારે આ બંને વચ્ચે મુલાકાત યોજાઇ હતી એટલું જ નહીં પરંતુ દશ મિનિટ માટે બંનેએ વન ટુ વન બેઠક પણ યોજી હતી જે ખૂબ જ મહત્વપૂર્ણ બાબત હતી. આ મુલાકાત પછી ઉદ્ધવ ઠાકરે તેમના શિવસેનાના અંદાજમાં જ નજરે પડ્યા હતા. મુલાકાત પછી પત્રકારો સાથે વાતચીતમાં તેમણે કહ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની વાતોને ખૂબ જ ગંભીરતાથી સાંભળી હતી. મરાઠા અનામત, જીએસટી સહિતના અનેક સંવેદનશીલ અને મહત્વના મુદ્દાઓ પર તેમની વાતચીત થઇ છે. વધુમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, ભલે તેમના અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે રાજકીય મતભેદ છે અને તેઓ સાથે નથી પરંતુ તેમનો સંબંધ થોડો ખતમ થઇ ગયો છે? હું કોઇ નવાઝ શરીફને મળવા નહોતો ગયો. હું વ્યક્તિગત રીતે મુલાકાત કરૂ તો તેમાં ખોટુ શું છે? ગુડ્સ સર્વિસ ટેક્સ અને મહારાષ્ટ્રના સૌથી મહત્વના ગણાતા મુદ્દા મરાઠા અનામત મુદ્દે તેમની વડા પ્રધાન સાથે વિસ્તૃત ચર્ચા થઇ છે. આ બંને વચ્ચેની મુલાકાત ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે. ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી બન્યા પછી આ બંને વચ્ચેની બીજી મુલાકાત છે. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી સાથે ઉપ મુખ્યમંત્રી અજીત પવાર અને મંત્રી અશોક ચવ્વાણ પણ ઉપસ્થિત રહ્યાં હતા. વર્ષોથી હિન્દુત્વની વિચારધાર ધરાવતાં ભાજપ અને શિવસેનાની મહારાષ્ટ્રમાં યુતિ હતી પરંતુ આ વખતે પહેલી વાર અલગ વિચારધારા ધરાવતી કોંગ્રેસ અને એનસીપી સાથે હાથ મિલાવીને શિવસેનાએ મહારાષ્ટ્રમાં સરકાર બનાવી છે.
