હજીરા એલ એન્ડ ટીમાંથી મહાકાય મશીનરી ચીન મોકલાઇ

હજીરા સ્થિત હેવી એન્જિનીયરિંગ કંપની લાર્સન એન્ડ ટૂબ્રોએ થાઇસેનકૃપ ઇન્ડસ્ટ્રિયલ સોલ્યુશન્સ જર્મની માટે પહેલીવાર ચીનમાં એક પ્રોજેક્ટ માટે બનાવેલા 4 ક્રિટિકલ પ્રોપીલીન ઓક્સાઇડ (પીઓ) રિએક્ટર્સ રવાના કર્યા છે. આ રિએક્ટરના કેટલાક ટેક્નિકલ પાર્ટ હજીરામાં તૈયાર કરવામાં આવ્યા હતા. ચારેય ટ્યુબ્યુલર રિએક્ટર તૈયાર થતા આજે તેને ચીન રવાના કરવામા આવ્યા છે. એલએન્ડટીના હજી ઉત્પાદન સંકુલમાં tkIS જર્મની, tkIS ભારત અને એલએન્ડટીના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં વર્ચ્યુઅલ રીતે કાર્યક્રમ યોજાયો હતો.આ રિએક્ટર્સ ઇવોનિક-ઉહડે, એચપીપીઓ ટેકનોલોજી પર આધારિત પ્રોપીલીન ઓક્સાઇડ ઉત્પાદન પ્લાન્ટમાં ચાવીરૂપ ભૂમિકા ભજવશે. આ મોટા ટ્યુબ્યુલર રિએક્ટરના ઉત્પાદનમાં કડક રાસાયણિક અને વેલ્ડિંગ નિયંત્રણો સાથે ડુપ્લેક્સ સ્ટેઇન્લેસ સ્ટીલ ટ્યુબ્સ, વેલ્ડ-ઓવરલેઝની કામગીરી હજીરામાં કરવામાં આવી હતી.આ પ્રસંગે થાઇસનકૃપ ઇન્ડસ્ટ્રિયલ સોલ્યુશન્સ એજી જર્મનીના પ્રોજેક્ટ પ્રોક્યરમેન્ટ મેનેજર ક્રિસ્ટોફર ગાશે કહ્યું હતું કે, “અમને આ જટિલ પીઓ રિએક્ટર્સના ઉત્પાદનમાં એલએન્ડટીની ટીમનો સંપૂર્ણ સહયોગ મળ્યો છે. ચારેય રિએક્ટર ગુણવત્તા અને સલામતીના માપદંડ સાથે તૈયાર કરવામાં આવ્યા છે. જેની ડિલિવરી નિર્ધારિત સમયથી વહેલી થઇ રહી છે. કોવિડ-19 મહામારીના પડકારો વચ્ચે ટીકેઆઇએસ અને એલએન્ડટી ટેક્નોલોજી તથા ડિઝિટલ માધ્યમોનો સમન્વય કરી આ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યો છે. આ પ્રકારના રિએક્ટર ટિબ્યુલર બનાવવા એક પડકારજનક સ્થિતિ હતી.

એલએન્ડટી હેવી એન્જિનીયરિંગના સીનિયર વાઇસ પ્રેસિડન્ટ અને હેડ અનિલ વી પરબે કહ્યું હતું કે, “અમે tkISને મહામારી દરમિયાન આ મહત્વપૂર્ણ રિએક્ટર્સ પૂરા પાડવાની તક આપવા અને એલએન્ડટીમાં વિશ્વાસ દાખવવા બદલ આભારી છીએ. આંતરરાષ્ટ્રીય ક્લાયન્ટને નિર્ધારિત સમય કરતા વહેલી રિએક્ટરની ડીલિવરી કરવામાં આવી છે. એલએન્ડટી હેવી એન્જિનીયરિંગ રિફાઇનરી, ઓઇલ એન્ડ ગેસ, પેટ્રોકેમિકલ, ફર્ટિલાઇઝર અને પરમાણુ ઊર્જા ઉદ્યોગોમાં આંતરરાષ્ટ્રીય કંપનીઓને હાઈ ટેકનોલોજી રિએક્ટર્સ અને સિસ્ટમ્સ પૂરી પાડે છે. કંપની અત્યારે 50 દેશોના પ્રોજેક્ટો પર કામ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ રિએક્ટર હજીરાથી ચીન રવાના કરવામા આવ્યું તે પ્રસંગે ભારતના ચીફ ઓફ નેવી, નેવી સ્ટાફ, એડમિરલ કરમબીર સિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *