લોખંડી સલામતી વ્યવસ્થા વચ્ચે પરંપરાગત માર્ગો પર કર્ફ્યૂ વચ્ચે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે. ગત વર્ષે કોરોના સંક્રમણની પહેલી લહેર હોવાના કારણે આ રથયાત્રા મંદિર પરિસરમાં ફરી હતી. આવતીકાલે સવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમીત શાહ તેમના પરિવાર સાથે જગન્નાથજી મંદિરની મંગળા આરતીમાં ભાગ લેશે . જયારે સીએમ વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પહિન્દ વિધી કરશે, જેમાં સોનાની સાવરણી વડે રથના માર્ગને સ્વચ્છ કરાશે, તે પછી ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીના રથની પૂજા કરાશે. ત્યાર બાદ રૂપાણી – નીતિન પટેલ પણ રથ ખેંચશે અને ખલાસી બંધુઓ તેમાં જોડાઈને રથયાત્રાનો આરંભ કરાવશે. આવતીકાલે અષાઢી બીજે જમાલપુરમાં 144 રથયાત્રા તેના પરંપરાગત માર્ગ પર ભકત્તોની ઉપસ્થિતિ વિના અને માર્ગ પર કર્ફ્યૂ વચ્ચે નીકળશે. રથયાત્રા દરમ્યાન ત્રણેય રથની સલામતી માટે ત્રણ લેયરની સલામતી વ્યવસ્થા ઊભી કરાઈ છે. જયારે આકાશમાંથી 15 જેટલા ડ્રોનની મદદ વડે સમગ્ર સ્થિતિ પર નજર રાખવામાં આવશે. અમદાવાદ ખાતે યોજાનાર ભગવાન જગન્નાથજીની પરંપરાગત ૧૪૪મી ભવ્ય રથયાત્રા ની પૂર્વ સંધ્યાએ આજે ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જગન્નાથ મંદિર પરિસરની મુલાકાત લઈને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.
આજે રથયાત્રા પૂર્વે સંધ્યા આરતીમાં ભાગ લેવા પહોચેલા સીએમ વિજય રૂપાણીએ કહ્યું હતું કે, રથયાત્રા એ ધાર્મિકની સાથે સાથે લોકોત્સવ પણ છે. માત્ર અમદાવાદ જ નહીં પરંતુ સમગ્ર રાજ્ય માટે રથયાત્રા અનેરૂ મહત્વ ધરાવે છે. ભગવાન જગન્નાથ લોકોનાં દેવ છે અને લોકોને સામે ચાલીને મળવા, દર્શન આપવા અષાઢી બીજે રથમાં બિરાજીને નગર યાત્રાએ નીકળે છે એ આપણી પરંપરા રહી છે. લોકો પણ આ યાત્રામાં સાથે મળીને ભક્તિભાવ પૂર્વક જોડાય છે. રૂપાણીએ જણાવ્યું હતું કે આ વખતની રથ યાત્રા આપણા માટે થોડી અલગ છે. રાજ્ય સરકારે લોકોની આસ્થા શ્રદ્ઘા ધ્યાને રાખીને કોવિડની પરિસ્થિતીના પગલે કોવિડ સંક્રમણ નિયંત્રણ ના પ્રોટોકોલ અને ગાઈડલાઈન પ્રમાણે આ રથયાત્રા નિયંત્રિત રીતે યોજવા મંજૂરી આપી છે ત્યારે લોકો પણ સહયોગ આપે તે જરૂરી છે. નગરજનો ઘરે બેઠા દર્શન કરે તે સમયની માંગ છે. આ માટે રથયાત્રા ના લાઈવ ટેલિકાસ્ટ ની વ્યવસ્થાઓ પણ કરવા માં આવી છે તેનો સૌ લાભ લઈ ઘરે બેઠા જ યાત્રા નિહાળે અને ભગવાન ના દર્શન કરે તેવી અપિલ તેમણે કરી હતી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે સૌ સમાજ વર્ગોના સુખ સમૃદ્ધિ અને વિકાસ થી ગુજરાત અડીખમ રહે વિકાસ માં સતત અગ્રેસર રહે તેવી પ્રાર્થના તેમણે કરી છે. મુખ્યમંત્રીએ ભગવાન જગન્નાથજીની કૃપા થી સૌ સ્વસ્થ રહે કોરોના મહામારી માંથી ગુજરાત ત્વરાએ મુક્ત થાય તેવી પ્રાર્થના કરી છે ઉમેર્યું હતું.
જાડેજાએ કહ્યું હતું આ રથયાત્રા દરમ્યાન શાંતિ સલામતી અને સુરક્ષાના તમામ જરૂરી તકેદારી ના પગલાં લેવામાં આવ્યા છે. પરંપરાગત રીતે યોજાતી આ રથયાત્રા આ વર્ષે કોવિડ પ્રોટોકોલ સાથે યોજાવાની છે ત્યારે, કોરોના પ્રોટોકોલની ગાઈડ લાઈનને ધ્યાને રાખી શ્રધ્ધાળુઓ લાઈવ દર્શનનો લાભ લે. સમગ્ર રથયાત્રાનું ટેકનોલોજીના ઉપયોગથી જીવંત પ્રસારણ થવાનું છે, અને લોકો ઘરે બેઠા ભગવાનના દર્શનનો લ્હાવો મેળવી શકે તેવી વ્યવસ્થા કરવામા આવી છે. ભકતજનોને દર્શન માટે બહાર ન નીક્ળવા જાડેજાએ તેમજ મંદિરના મહંત દીલીપદાસજી મહારાજ દ્વારા ખાસ અપીલ કરાઈ છે. જગન્નાથજી, બળદેવજી અને સુભદ્રાજીની મુર્તિ સાથે અલગ અલગ ત્રણ રથ સાથેની યાત્રા સવાર 7 વાગ્યે જગન્નાથજી મંદીરથી પરંપરાગત રૂટ ઉપરથી નિકળી નિયત રૂટ ઉપર મ્યુનિસિપલ કોઠા, રાયપુર ચકલા, ખાડિયા ચાર રસ્તા, કાલુપુર સર્કલ, સરસપુર પહોંચશે અને ત્યાં થોડા વિરામ બાદ પરત કાલુપુર સર્કલ, પ્રેમ દરવાજા, દિલ્હી ચકલા, શાહપુર દરવાજા, આર.સી. હાઈસ્કુલ, પિત્તળિયા બંબા, પાનકોરનાકા, માણેકચોક થઈ નીજ મંદીરમાં લગભગ બપોરે ૧૨ કલાક સુધીમાં નિજ મંદિરે પરત ફરશે. કોરોનાની પરિસ્થિતીને ધ્યાનમાં લઈ રૂટ વિસ્તાર માં કર્ફ્યુ નાંખવામાં આવશે એટલું જ નહીં પ્રતિ રથ મહત્તમ ૨૦ ખલાસીઓ રાખવાનું નક્કી કરવામાં આવ્યુ છે. સમગ્ર રથયાત્રામાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે, સાથે સાથે યાત્રાને આગળ ધપાવતા ખલાસીઓના RTPCR ટેસ્ટ, કરાવવામાં આવશે, રથયાત્રામાં આ વર્ષે ણ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરાયો છે. રથયાત્રા રૂટમાં આવતા કારંજ, શાહપુર, માધવપુરા, ગાયકવાડ હવેલી, શહેરકોટડા, કાલુપુ, ખાડીયા તથા દરિયાપુર એમ ૮ પોલીસ સ્ટેશનોમાં મીની કંટ્રોલરૂમની વ્યવસ્થા કરાઈ છે. એટલું જ નહી પરંતુ ACP તથા તેનાથી ઉપરના દરજ્જાના અધિકારીઓને વોકીટોકી સેટ ફાળવવામાં આવશે.
રથયાત્રાનું લાઈવ મોનીટરિંગ કરવા રૂટ પર સી.સી.ટી.વી કેમેરા લગાવવામાં આવશે.આ કેમેરાનું લાઈવ મોનીટરિંગ કંટ્રોલરૂમ ઉપરાંત જે તે લોકલ પો.સ્ટે વિસ્તારમાં કરાશે. જ્યારે રૂટ પર આવતા ૭ પોલીસ સ્ટેશનોમાં સી.સી.ટી.વી વ્હિકલ દ્વારા પેટ્રોલીંગ કરાશે .મુવીગ બંદોબસ્તમાં રથયાત્રાના મોબાઈલ વાહનો પર સી.સી.ટી.વી કેમેરા ગોઠવામાં આવનાર છે. સમગ્ર રથયાત્રા રૂટ પર આતાંકવાદી કે અન્ય ભાંગફોડની પ્રવૂત્તિ અટકાવવા માટે બોંબ ડીટેક્શન એન્ડ ડીસ્પોઝલ સ્ક્વોડની ૧૦ ટીમ, ચેતક કમાન્ડો, ડોગ સ્કવોડ, નેત્રા જેવી ટીમો ફરજમાં તહેનાત રહેશે. રથ યાત્રાના સમગ્ર રુટ ઉપર અલગ અલગ સ્થળો પર તમામ ગતિવવિધીઓ પર નજર રાખવા ૧૫ ડ્રોન કેમેરા દ્વારા બાજ નજર રાખવામાં આવશે. રથયાત્રાના નિર્ધારિત રૂટ પર કોઈ પણ જગાએ પ્રસાદ વિતરણ કે સ્વાગત વિધી માટે હોલ્ટ કરવામાં આવશે નહિ સાથોસાથ. રથ યાત્રાના સમગ્ર ટ પર જરૂરી સ્થળોએ ટ્રાફિક નિયમન અને કર્ફ્યુના પાલન માટે ડાયવર્ઝન અને બેરીકેડીંગ પણ કરાશે. રથયાત્રાની સાથે મૂવિંગ બંદોબસ્તમાં એડિશનલ CP Crime તેમજ DCP Crime સહિત ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ – ત્રણે રથની ત્રણ લેયરમાં જડબેસલક સુરક્ષામાં સાથે રહેશે. રથયાત્રાના રૂટમાં આવતા દરિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૭ ડી.સી.પી, ૧૪ એ.સી.પી., ૪૪ પી.આઈ., ૯૮ પી.એસ.આઈ. સહિત હેડ કોન્સ્ટેબલ-પોલીસ કોન્સ્ટેબલ, એસ.આર.પી/સી.આર.પીના જવાનો બંદોબસ્તમાં રહેશે.આ વિસ્તારમાં ૯ સ્થળોએ લગાડવામાં આવેલા ૧૮ કેમેરા દ્વારા AMC કંટ્રોલરૂમ, પાલડી ખાતે મોનીટરિંગ કરવામાં પણ આવશે.સમગ્ર વિસ્તારમાં સંવેદનશીલ પોઈન્ટ, ધાબા પોઈન્ટ, જર્જરિત મકાનો, ધાર્મિક સ્થળોએ પણ બંદોબસ્ત સાથે વોચ ટાવર, ઘોડેસ્વાર પોલીસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.