ગયા વર્ષે ભારતમાં સરેરાશ રોજ બળાત્કારના 77 કેસ

ભારતમાં 2020માં દરરોજ સરેરાશ બળાત્કારના લગભગ 77 કેસ નોંધાયા હતા. તે વર્ષ દરમિયાન આવી કુલ 28,046 ઘટનાઓ સામે આવી હતી. એમ બુધવારે જારી કરાયેલા નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (એનસીઆરબી)ના તાજેતરના આંકડા દર્શાવે છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ કાર્યરત એનસીઆરબીએ જણાવ્યું કે, ગયા વર્ષે દેશભરમાં મહિલાઓ વિરુદ્ધ ગુનાના 3,71,503 કેસ નોંધાયા હતા. જે 2019ના 4,05,326 અને 2018માં નોંધાયેલા 3,78,236 કેસ કરતાં ઓછા છે. એનસીઆરબીના આંકડા દર્શાવે છે કે, વર્ષ 2020માં મહિલાઓ વિરુદ્ધના ગુનાઓના કુલ કેસોમાંથી 28,153 પીડિતાઓ સાથે 28,046 બળાત્કારની ઘટનાઓ બની હતી. તે વર્ષે કોરોના મહામારી ફાટી નીકળી હતી અને મહામારી-પ્રેરિત લોકડાઉન જોવા મળ્યું હતું. કુલ પીડિતાઓમાંથી 25,498 પુખ્ત વયની, જ્યારે 2,655 18 વર્ષથી ઓછી વયની હતી. અનુગામી વર્ષોના એનસીઆરબીના આંકડા અનુસાર, ભારતીય દંડ સંહિતાની કલમ 376ની વ્યાખ્યા મુજબ બળાત્કારના કેસોની સંખ્યા 2019માં 32,033, 2018માં 33,356 અને 2017માં 32,559 અને 2016માં 38,947 હતી. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી વર્ષ 2020માં રાજસ્થાનમાં સૌથી વધુ 5,310 બળાત્કારના કેસ નોંધાયા હતા. ત્યારબાદ, ઉત્તર પ્રદેશમાં (2,769), મધ્ય પ્રદેશમાં (2,339), મહારાષ્ટ્રમાં (2,061) અને આસામમાં (1,657) કેસ નોંધાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *