અમદાવાદમાં ઇન્કમ ટેક્સ વિભાગે આજે રિયલ એસ્ટેટના કામકાજ સાથે સંકળાયેલા છ જેટલા ડીલર્સની કચેરીઓ પર સર્ચ- ઓપરેશન શરૂ કર્યું છે. જેમાં રિયલ એસ્ટેટ અને મીડિયા નેટવર્ક સાથે સંકળાયેલા સમભાવ ગ્રુપ પર પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ સિવાય ગુજરાતના જાણીતા લેન્ડ બ્રોકર યોગેશ પૂજારા, કે. મહેતા ગ્રુપ અને દીપક ઠક્કરને ત્યાં પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઓપરેશન અંગે મળતી વિગતો પ્રમાણે, અમદાવાદ, વડોદરા અને સુરતના ઇન્કમટેક્સ અધિકારીઓ દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે. આ સર્ચ ઓપરેશનમાં અંદાજે આશરે 100 જેટલા અધિકારીઓ જોડાયા છે. મળસ્કે સાડા ચાર વાગ્યાની આસપાસ આવકવેરા અધિકારીઓની ટીમે સર્ચ-ઓપરેશન શરૂ કર્યું છે. બેનંબરી વ્યવહારો અને કરચોરી થઈ હોવાની આશંકાના આધારે સર્ચ શરૂ કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે, અમદાવાદ સિટીમાં કેટલાક બિલ્ડરોનાં ઘર, ઓફિસ અને અન્ય સ્થળો પર I-T વિભાગનું સર્ચ-ઓપરેશન ચાલી રહ્યું છે. મોટે પાયે આર્થિક વ્યવહારો હોવાની આશંકાને લઈને પરોઢે રેઇડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આવકવેરા વિભાગનું યોગેશ પૂજારાને ત્યાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. યોગેશ પૂજારા ઉદ્યોગપતિ પરિવાર સાથે સંકળાયેલા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.