કોરોના મહામારી વચ્ચે હવે તમે ઘરે રહીને જાતે જ કોવિડ-19 ટેસ્ટ કરી શકશો. આઈસીએમઆરએ કોવિડ માટે હોમ બેઝ્ડ ટેસ્ટિંગ કિટને મંજૂરી આપી દીધી છે. આ એક હોમ રેપિડ એન્ટીજન ટેસ્ટિંગ (આરએટી) કિટ છે. તેનો ઉપયોગ કોરોનાના હળવા લક્ષણો ધરાવતા કે પછી સંક્રમિતના સંપર્કમાં આવેલા લોકો કરી શકે છે. હોમ બેઝ્ડ ટેસ્ટિંગ કિટના વધુ પરીક્ષણની સલાહ નથી આપવામાં આવી. આઈસીએમઆર ઉપરાંત ડીસીજીઆઈએ પણ હોમ બેઝ્ડ ટેસ્ટિંગ કિટના માર્કેટમાં વેચાણને મંજૂરી આપી દીધી છે. જો કે, આ ટેસ્ટિંગ કિટ તરત જ માર્કેટમાં ઉપલબ્ધ નહીં થઈ જાય, વ્યાપક રૂપે ઉપલબ્ધ થવામાં તેને થોડો સમય લાગશે. આઈસીએમઆર દ્વારા કોવિડની હોમ બેઝ્ડ ટેસ્ટિંગ કિટને મંજૂરી અપાયા બાદ હવે કોરોનાની તપાસ કરવી ખૂબ સરળ બનશે. હાલ ભારતમાં ફક્ત એક જ કંપનીને આની મંજૂરી આપવામાં આવી છે જેનું નામ માયલેબ ડિસ્કવરી સોલ્યુશન્સ લિમિટેડ છે. હોમ ટેસ્ટિંગ મોબાઈલ એપ ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોરમાં ઉપલબ્ધ છે જેને તમામ યુઝર્સ ડાઉનલોડ કરી શકે છે. મોબાઈલ એપ ટેસ્ટિંગ પ્રક્રિયાનું એક વ્યાપક માર્ગદર્શક છે જે પોઝિટિવ કે નેગેટિવ રિઝલ્ટ પ્રદાન કરશે. આ એપનું નામ માયલેબ કોવિસેલ્ફ છે.
