માસ્કનો દંડ 1000 થી ઘડાડી 500 કરવા સરકાર હાઇકોર્ટને વિનંતી કરશે

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ખતરનાક રીતે વધી ગયું હતું અને રોજે રોજ અનેક લોકોના તેમાં મોત થતાં હતા. કોરોનાના સંક્રમણના ડર વગર ઠેર ઠેર રેલીઓ અને સભાઓના આયોજન થતા હતા અને હાઇકોર્ટની વારંવારની ટકોર પછી પણ લોકો માસ્ક વગર બિન્દાસ્ત ફરતાં થઇ ગયા હતા જેના કારણે હાઇકોર્ટે સુઓમોટો દાખલ કરી કડક વલણ અપનાવ્યું હતું અને સરકારી તેમજ ધાર્મિક મેળાવડા અટકાવવાનો નિર્દેશ પણ સરકારને કર્યો હતો. આ ઉપરાંત લોકો માસ્ક વગર ખુલ્લેઆમ ફરીને કોરોનાનું સંક્રમણ વધારી રહ્યાં હોવાનું પણ હાઇકોર્ટના ધ્યાને આવતા હાઇકોર્ટે માસ્ક વગર ફરતાં લોકોને રૂપિયા 1000 દંડ ફટકારવાનો સરકારી એજન્સીઓને આદેશ કર્યો હતો. આ સરકારી આદેશ બાદ પોલીસ અને સ્થાનિક વહિવટી તંત્ર દ્વારા માસ્ક વગર ફરતાં લોકો સામે તેમજ માસ્ક વગર દુકાનમાં બેસીને વેપાર કરતાં લોકો સામે કડક કાર્યવાહી શરૂ કરી હતી.
આવા લોકો સામે પોલીસ અને અન્ય સરકારી એજન્સીઓ રૂપિયા 1000નો દંડ વસૂલતી હતી. જેની સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. લોકોનો આક્રોશ પારખીને ભારતીય જનતા પાર્ટીના સુરત શહેરના મેયર હેમાલી બોઘાવાલાએ તો એક તબકકે એવી પણ જાહેરાત કરી દીધી હતી કે હવે માસ્ક વગરના લોકો પાસે રૂપિયા 1000 દંડ વસૂલવામાં નહીં આવે પરંતુ તેમને માસ્ક આપવામાં આવશે. પરંતુ પાછળથી વિવાદ થતાં ફરી વખત માસ્ક મુદ્દે દંડ ઉઘરાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું. કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે માસ્ક ખૂબ જ જરૂરી હોવા છતાં લોકો માસ્ક પહેરવાનું ટાળતા હતાં. જેના કારણે હાઇકોર્ટે આકરૂ વલણ અપનાવવું પડ્યું હતું અને દંડ વસૂલવા માટે સરકારી એજન્સીઓને આદેશ આપ્યો હતો. પરંતુ હવે જ્યારે કોરોનું સંક્રમણ ઘટી ગયું છે ત્યારે દંડની રકમ 1000 થી ઘટાડીને રૂપિયા 500 કરવાની વિનંતી સરકાર હાઇકોર્ટને કરશે.
હાઇકોર્ટને વિનંતી કરવા માટે સરકારે જે તે એજન્સીઓના અધિકારીઓેને સૂચના આપી દીધી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જો કે, આ કાર્યવાહી ક્યારે કરવામાં આવશે તે અંગે સરકારે કોઇ જ સ્પષ્ટતા કરી નથી. અત્રે ઉલલેખનીય છે કે, સમગ્ર દેશમાં માત્ર 30 ટકા જ લોકો માસ્ક પહેરે છે તેવી વાત એક સર્વેમાં બહાર આવી હતી. ગ્રામ્ય વિસ્તારના લોકો તો માસ્ક પહેરતાં જ નથી અને આ સર્વેમાં એક રસપ્રદ બાબત એ પણ સામે આવી હતી કે, જે લોકો માસ્ક પહેરે છે તે પૈકીના 35 ટકા તો માસ્ક નાકની નીચે રાખીને પહેરે છે એટલે માસ્ક પહેરવાનો કોઇ અર્થ જ સરતો નથી. હવે આગામી દિવસોમાં હાઇકોર્ટ જો દંડની રકમ ઘટાડશે તો સામાન્ય લોકોને મોટી રાહત થઇ શકે તેમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *