ગુજરાતના નવા કેબિનેટ મંત્રીઓનો શપથગ્રહણ સમારોહ યોજાયો

ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળમાં 24 સભ્યોનો સમાવેશ કરવા સાથે તેમનો શપથ વિધી સમારોહ ગુરૂવારે રાજભવન ખાતે યોજાયો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તમામ 24 મંત્રીમંડળના સભ્યોને હોદ્દો અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. સમગ્ર શપથ વિધી સમારોહનું સંચાલન ચીફ સેક્રેટરી પંકજકુમારે કર્યુ હતું. ભાજપ હાઈકમાન્ડ દ્વારા આખે આખી રૂપાણી સરકારના તમામ મંત્રીઓની વિકેટ પાડી દેવામાં આવી છે, દેશમાં કદાચ આવું કોઈ પણ રાજ્યમાં નહીં બન્યુ હોય તેવો નવો રાજકિય પ્રયોગ ભાજપ હાઈકમાન્ડ દ્વારા કરાયો છે. ડે સીએમ નીતિન પટેલ સહિત રૂપાણી સરકારના તમામ મંત્રીઓને પડતાં મૂકવામાં આવ્યા છે. નવી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં ડે.સીએમની પોસ્ટ જ કાઢી નાંખવામાં આવી છે એટલે બીજુ કોઈ પાવર સેન્ટર ઊભુ ના થાય. આ શપથવિધિ સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજ્ય મંત્રીમંડળના કેબિનેટ કક્ષાના ૧૦ અને રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતા ૫ અને રાજ્ય કક્ષાના ૯ મંત્રીઓને પણ હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતાં.

રાજ્યપાલ સમક્ષ કેબિનેટ મંત્રી તરીકે રાજેન્દ્ર ત્રિવેદી, જીતેન્દ્ર વાઘાણી, ઋષિકેશ પટેલ, પૂર્ણેશકુમાર મોદી, રાઘવજી પટેલ, કનુભાઇ દેસાઇ, કિરીટસિંહ રાણા, નરેશ પટેલ, પ્રદીપ પરમાર, અર્જુનસિંહ ચૌહાણએ હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા. જ્યારે રાજ્યકક્ષાના (સ્વતંત્ર હવાલો) મંત્રી તરીકે હર્ષભાઇ સંઘવી, જગદીશભાઇ પંચાલ, બ્રિજેશ મેરજા, જીતુ ચૌધરી, મનીષાબહેન વકીલએ શપથ ગ્રહણ કર્યા હતાં. જ્યારે રાજ્યકક્ષાના મંત્રી તરીકે મુકેશભાઈ પટેલ, નિમીષાબહેન સુથાર, અરવિંદ રૈયાણી, કુબેર ડિંડોર, કિર્તીસિંહ વાઘેલા, ગજેન્દ્રસિંહ પરમાર, આર. સી. મકવાણા, વિનોદ મોરડીયા અને દેવાભાઇ માલમે શપથ ગ્રહણ કર્યા હતાં. આ શપથગ્રહણ સમારોહમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ, ભાજપાના રાષ્ટ્રીય અગ્રણી અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી (સંગઠ્ઠન) બી. એલ. સંતોષ, ગુજરાત વિધાનસભાના પ્રોટેમ્પ સ્પીકર ડૉ. નીમાબેન આચાર્ય, પૂર્વ મંત્રીઓ દંડક પંકજ દેસાઈ તેમજ રાજ્ય સરકારના વરિષ્ઠ અધિક મુખ્ય સચિવો, અગ્ર સચિવો, પોલીસ મહાનિદેશક તેમજ ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.

નવા સીએમ ભૂપેન્દ્ર પટેલને સરકારમાં ઓબીસી અને પાટીદાર મંત્રીઓ દબદબો જોવા મળી રહ્યો છે. સરકારના પ્રધાનમંડળના જ્ઞાતિગત સમીકરણો જોવા જઈએ, તો 6 ઓબીસી અને 3 કોળી સાથે ગણતા 9 ઓબીસી મંત્રીઓ, સીએમ સાથે 7 પાટીદાર મંત્રીઓ, 1 ક્ષત્રિય , 2 એસસી, 3એસટી, 2 બ્રાહ્મણ અને એક જૈન સમાજના મંત્રીનો સમાવેશ થાય છે. રાજ્યમાં ઝોન વાર જોઈએ તો સૌરાષ્ટ્ર ઝોનમાંથી 7, દક્ષિણ ગુજરાત ઝોનમાંથી 7, મધ્ય ગુજરાતમાંથી 5, ઉત્તર ગુજરાતમાંથી 3 અને અમદાવાદમાંથી સીએમ સહિત ત્રણ મંત્રીઓનો સમાવેશ થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *