સર્વોચ્ચ અદાલતે આજે ગુજરાત સરકારને જણાવ્યું હતું કે તે જસ્ટિસ(નિવૃત્ત) ડી.એ. મહેતા પંચનો અહેવાલ તેની વિધાનસભાના આગામી સત્રના પ્રથમ દિવસે જ મેજ પર મૂકે, જે પંચે ગયા વર્ષે રાજકોટ અને અમદાવાદની હોસ્પિટલોમાં બનેલા આગના બનાવોની તપાસ કરી હતી જે આગમાં ૧૩ દર્દીઓ માર્યા ગયા હતા. ગુજરાતમાં હોસ્પિટલોની સ્થિતિ અંગે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને સખત રીતે ઝાટકી નાખી હતી. જસ્ટિસ ડી. વાય. ચંદ્રચુડ અને જસ્ટિસ એમ.આર. શાહની બેન્ચે સોલિસિટર જનરલ તુષાર મહેતાને કહ્યું હતું કે તેઓ અદાલતના અભિગમથી ગુજરાત સરકારને વાકેફ કરે, જેથી અહેવાલ વિધાનગૃહના મેજ પર મૂકી શકાય. મહેતાએ જણાવ્યું હતું કે હતું કે તે યોગ્ય રહેશે કે આ અહેવાલ અન્ય કોઇને આપતા પહેલા તે ગૃહના મેજ પર મૂકવામાં આવે અથવા તે ખોટી પરંપરા ઉભી કરશે. બેન્ચે જણાવ્યું હતું કે આગનો ભોગ બનેલાઓના કુટુંબીજનોના વકીલો પંચનો અહેવાલ માગી રહ્યા છે, અને આ અહેવાલ ગૃહમાં મૂકાય નહીં ત્યાં સુધી અન્ય કોઇને આપવો રહેશે નહીં.
સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને એમ પણ કહ્યું હતું કે તે રાજકોટની હોસ્પિટલમાં આગથી માર્યા ગયેલા લોકોને વળતર આપવાની વિચારણા કરે. હોસ્પિટલોમાં આગ જેવી ઘટનાઓ સામે સુરક્ષાના પગલા અમલી બનાવવા માટેની ડેડલાઇન ત્રણ મહિના લંબાવતા ગુજરાત સરકારના જાહેરનામા પર મનાઇ હુકમ આપતા સુપ્રીમ કોર્ટે આજે કહ્યું હતું કે અમે ડેવલપરો, પ્લાનિંગ અને કાયદા અમલીકરણ અધિકારીઓ વચ્ચે માફીયા લિંકના કિસ્સાઓ પર કિસ્સાઓ જોઇ રહ્યા છીએ. સર્વોચ્ચ અદાલતે ગુજરાત સરકારના વકીલને કહ્યું હતું કે આ જાહેરનામાને કારણે બિલ્ડિંગ કન્ટ્રોલના કોઇ નિમયો આ સમયગાળામાં રાજ્યમાં અમલી બનાવાયા નહીં અને ડેવલપરો અને બિલ્ડરોને તો મઝા જ થઇ ગઇ. સરકારના વર્તન અંગે સુપ્રીમ કોર્ટે સખત નારાજગી વ્યક્ત કરી હતી. બેન્ચે કહ્યું હતું કે એક આઇસીયુમાં આઠ લોકોને મૂકવામાં આવતા હતા. તે સમયે સ્થિતિ જોઇને અમે ચાલવા દીધું. જો આઇસીએમઆરની ગાઇડ લાઇનનું પાલન કરાવાયું હોત તો ગુજરાતની ૮૦ ટકા આઇસીયુવાળી હોસ્પિટલો બંધ થઇ ગઇ હોત.
બેન્ચે કહ્યું હતું કે આપણે સુરત, ભરૂચ, અમદાવાદની આગની ઘટનાઓ જોઇ છે. આપણે લોકોના જીવનને આ રીતે જોખમમાં મૂકાતા વધુ જોઇ શકીએ નહીં. જેમને સહન કરવું પડે છે તેઓ આ દેશના નાગરિકો છે અને અમે આ ચલાવી લઇશું નહીં એમ બેન્ચે કહ્યું હતું.