કોરોના વેક્સિન લીધી હોય તો જ જીટીયુની પરીક્ષા આપી શકાશે

કોરોનાના સતત વધી રહેલા ગ્રાફ વચ્ચે ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટીએ 18 વર્ષની વય વટાવી ચૂકેલા તમામ પરીક્ષાર્થીઓ માટે વેક્સિનેશન ફરજિયાત કરતો નવો ફતવો બહાર પાડ્યો છે.ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટીએ ગયા વર્ષે ઓનલાઇન એકઝામ્સ લઇને સમગ્ર રાજયમાં દાખલો બેસાડયો હતો. પરંતુ વખાણેલી ખીચડી દાંતે વળગે તે કહેવત હવે જીટીયુને લાગુ પડે તેવી સ્થિતિ ઉભુ થઇ છે. ગઇકાલે જીટીયુએ આગામી સમર એકઝામ્સ માટે તમામ ઉમેદવારોને ઇલેકટ્રોનિક ગેઝેટસની તેમજ ઇન્ટરનેટની સવલત આપવા ફરમાન કર્યુ છે. આ ફરમાનને લઇને સમગ્ર દક્ષિણ ગુજરાતની પંદરેક કોલેજના સંચાલકોમાં ગણગણાટ શરૂ થઇ ગયો છે. તેની વચ્ચે આજે ફરી જીટીયુએ 18 વર્ષ વટાવી ચૂકેલા તમામ છાત્રો માટે કોરોના વેક્સિન ફરજિયાત ઠેરવી છે. આ ઉપરાંત આગામી પરીક્ષા બેસનારા તમામ ઉમેદવારોને રસીકરણ ફરજિયાત કરાતાં વાલીઓ અવઢવમાં મૂકાયા છે. એક તરફ કોરોના વેક્સિનને લઇને ધાંધિયા છે. કેટલાક ઠેકાણે તો વેક્સિનનો પૂરતો સ્ટોક પણ નથી. ઓલરે઼ડી 45 વર્ષની ઉંમર વટાવી ચૂકેલા લોકોને વેક્સિનનો બીજો ડોઝ આપવાના હજી ઠેકાણા નથી. આ સંજોગો વચ્ચે હવે સામી પરીક્ષાએ જીટીયુએ વેક્સિનેશનું ગતકડુ ઉભુ કરતા 50 હજાર કરતા વધુ છાત્રો પણ ચિંતામાં મૂકાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *