લદ્દાખના કેટલાક ગામોમાં રવિવારે અચાનક આવેલા પૂરમાં એક પુલ અને ઉભા પાકને ઘણું નુકસાન થયું હતું. ત્યાં કૃત્રિમ તળાવ ફાટયા બાદ ઝાંસ્કર નદી અવરોધિત થવાથી સત્તાધીશોએ ચેતવણી આપી હતી.ડિસ્ટ્રીક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટી (ડીડીએમએ)ના મુખ્ય કાર્યકારી અધિકારી સોનમ ચોઝોરે જણાવ્યું હતું કે, શનિવારે રૂમ્બક ગામ નજીક કૃત્રિમ તળાવ ફાટયું હતું. જેના પરિણામે ઝાંસ્કર નદી અવરોધિત થઈ હતી અને આ વિસ્તારમાં કૃત્રિમ તળાવ સર્જાયું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે, કૃત્રિમ તળાવના કારણે રવિવારે સવારે અચાનક પૂર આવ્યું હતું. જેનાથી રૂમ્બક બ્રિજને અને ગામ અને આજુબાજુના વિસ્તારોમાં મોટા વિસ્તારમાં ફેલાયેલા પાકને નુકસાન પહોંચ્યું હતું. જો કે, અધિકારીઓએ જણાવ્યું કે બચાવ ટીમો સ્થળ પર છે અને કોઈ જાનહાનિના અહેવાલ નથી. ડીડીએમએએ રવિવારે સાંજે એલર્ટ જાહેર કર્યું હતું જેમાં મુખ્ય ઇજનેર એનએચપીસી નેમો બાસ્ગો પ્રોજેક્ટ, લાઇકર અને ખાલત્સીના ઉપ-વિભાગીય મેજિસ્ટ્રેટ અને લદ્દાખ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ સહિતના વરિષ્ઠ અધિકારીઓને એલર્ટ રહેવા અને સિંધુ નદીમાં પૂર માટે તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે, વરિષ્ઠ અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
