મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં ઉલ્હાસનગરમાં શુક્રવારે મોડી રાતે પાંચ માળની ઈમારતનો સ્લેબ ધરાશાયી થયો હતો. એનાથી બિલ્ડિંગમાં રહેતા 7 લોકોનાં મોત થયા છે. તાજેતરમાં મળેલી માહિતી પ્રમાણે, બાકીના લોકોનું રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યું છે. બે લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી છે. તેમાંથી એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. બંનેને થાણેની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકોમાં 4 લોકો એક જ પરિવારના છે. રીજનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના ચીફ સંતોષ કદમે જણાવ્યું હતું કે નેહરુ ચોક વિસ્તારમાં બનેલી આ ઈમારતનું નામ સાંઈસિદ્ધિ છે. એનો પાંચમા માળનો એક સ્લેબ ધરાશાયી થયો છે. કાટમાળમાંથી અત્યારસુધી 7 લોકોના મૃતદેહો કાઢવામાં આવ્યા છે. ફાયરબ્રિગેડ અને પોલીસના જવાન ફસાયેલા લોકોને બહાર કાઢી રહ્યા છે. બિલ્ડિંગમાં 29 પરિવાર રહે છે. બિલ્ડિંગનું નિર્માણ 1994-95માં થયું હતું.
