અફઘાનિસ્તાનમાં તાલિબાનોને મદદ કરી રહેલ અને પંજશીર ખીણમાં તાલિબાનને મદદ કરવા માટે પોતાના ફાઇટર વિમાનો દ્વારા બોમ્બમારો કરાવનાર પાકિસ્તાનના વિરોધમાં અફઘાન રાજધાની કાબુલમાં આજે એક મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલાઓ સહિત સેંકડો લોકો આ રેલીમાં જોડાયા હતા અને પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા. પાકિસ્તાન વિરોધી રેલીમાં જોડાયેલા લોકોએ પાકિસ્તાન મુર્દાબાદ, આઝાદી, અફઘાનિસ્તાન છોડો પાકિસ્તાન જેવા સૂત્રોચ્ચારો કર્યા હતા. આંદોલનકારીઓએ કહ્યું હતું કે તેમને દેશમાં કઠપુતળી સરકાર જોઇતી નથી અને એક સર્વસમાવેશક સરકાર જોઇએ છે. આજની રેલીમાં નોંધપાત્ર બાબત એ હતી કે રેલીમાં પુરુષો કરતા મહિલાઓ આગળ દેખાતી હતી અને તેમણે મેગાફોન જેવા સાધનો વડે પોતાનો અવાજ બુલંદ બનાવ્યો હતો. રેલીમાં પોસ્ટરો અને બેનરો પણ દર્શવવામાં આવ્યા હતા. એવા અહેવાલ પણ છે કે તાલિબાનોએ વિરોધ પ્રદર્શનકારોને વિખેરી નાખવા માટે હવામાં ગોળીબાર કર્યો હતો.
આ રેલીનું કવરેજ કરી રહેલા કેટલાક અફઘાન પત્રકારોની ધરપકડ પણ કરવામાં આવી હતી એમ નજરે જોનારાઓ અને અફઘાન મીડિયા આઉટલેટોએ જણાવ્યું હતું. આ રેલીનું કવરેજ કરી રહેલ ટોલો ન્યૂઝના એક કેમેરાપર્સનને અટકાયતમાં લેવામાં આવ્યો હતો. વહીદ નામના આ પત્રકારનો કેમેરા પણ કબજે કરવામાં આવ્યો હતો.અફઘાનિસ્તાનના અન્ય પ્રાંતો બલ્ખ ખને દાઇકુન્દીમાં પણ પાકિસ્તાનના વિરોધમાં દેખાવો થયા હોવાના અહેવાલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે પંજશીરમાં તાલિબાનોને મદદ કરવા માટે પાકિસ્તાનના વિમાનોએ બોંબ ફેંક્યા તે બાબતે અફઘાનિસ્તાનમાં સખત રોષ ફાટી નિકળ્યો છે. ઇરાને પણ આ બોમ્બ ફેંકવાની ઘટનાની ટીકા કરીને આ બાબતે તપાસની હાકલ કરી છે.