ત્રણ દિવસના અખિલ ભારતીય કૃષિ સંમેલનનો પ્રારંભ

અહીં ગુરુવારે સિંઘુ સરહદ પર શરૂ થયેલા ખેડૂતોના અખિલ ભારતીય સંમેલનનો પ્રથમ દિવસ કેન્દ્રના ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ દેશભરમાં વિરોધને વિસ્તૃત કરવા પર કેન્દ્રિત હતો. ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ વિરુદ્ધ ખેડૂતોના આંદોલનના નવ મહિના પૂરા થતા બે દિવસીય સંમેલનનું ઉદ્ઘાટન ભારતીય કિસાન યુનિયન (બીકેયુ)ના નેતા રાકેશ ટિકૈતે કર્યું હતું. ટિકૈતે કહ્યું કે, દુ:ખની વાત છે કે છેલ્લા નવ મહિના પછી પણ સરકાર (ખેડૂતો સાથે) મંત્રણા માટે તૈયાર નથી. આ સંમેલનમાં 300 ખેડૂત અને કૃષિ કામદારોના સંગઠનો, 18 અખિલ ભારતીય વેપારી સંગઠનો, નવ મહિલા સંગઠનો અને 17 વિદ્યાર્થી અને યુવા સંગઠનોનું પ્રતિનિધિત્વ કરતા 22 રાજ્યોના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. સંયુક્ત કિસાન મોરચા (એસકેએમ) દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, સંમેલનના પ્રથમ દિવસે ત્રણ સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાંથી એક ત્રણ કૃષિ કાયદાઓ પર, બીજું ઔદ્યોગિક કામદારોને સમર્પિત અને ત્રીજું કૃષિ કામદારો, ગ્રામીણ ગરીબો અને આદિવાસી મુદ્દાઓ પર કેન્દ્રિત હતું. ત્રણેય સત્રોમાં વક્તાઓએ ખેડૂતો, કામદારો, કૃષિ કામદારો, આદિવાસીઓ અને સામાન્ય લોકોને જોડતા આંદોલનને વિસ્તૃત કરવા માટે તેમના સૂચનો આપ્યા હતા. સંમેલનની આયોજક સમિતિના કન્વીનર આશિષ મિત્તલે પ્રતિનિધિઓ સમક્ષ પ્રસ્તાવ મૂક્યો હતો. જેમાં લોકોને દેશભરમાં ચાલી રહેલા સંઘર્ષને વધુ તીવ્ર અને વિસ્તૃત કરવા હાકલ કરવામાં આવી હતી જેથી મોદી સરકારને ત્રણ કૃષિ કાયદા રદ કરવાની ફરજ પડે. દરેક સત્રમાં 15 વક્તાઓએ ખેડૂત આંદોલન દ્વારા લાવવામાં આવેલા ‘ઉંડા પરિવર્તનો’ અને લાંબા સમયના વિરોધના કારણે અનુભવાયેલા ‘સકારાત્મક પરિણામો’ પર ભાર મૂકતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ સંમેલનમાં આંદોલન દરમિયાન જીવ ગુમાવનારા ખેડૂતોને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *