અત્યાર સુધી ચેમ્બર દ્વારા યાર્ન, ટેક્સટાઇલ મશીનરી, એસેસરીઝને લગતા પ્રદર્શન(exibation) યોજવામાં આવતા હતા. પરંતુ ચેમ્બર દ્વારા હવે સુરતમાં પ્રથમવાર માત્ર સ્પેશ્યલ ફેબ્રિક્સ માટે પ્રદર્શન યોજવામાં આવશે. તા. ૧૧થી ૧૩ સપ્ટેમ્બર સુધી ચેમ્બર દ્વારા સરસાણા કન્વેનશન સેન્ટર ખાતે વિવનીટ એક્ઝિબીશનનું આયોજન કરવામાં આવ્યું છે. માત્ર ફેબ્રિક્સ માટેનું સમગ્ર ભારતમાં આ એક્ઝિબીશન પ્રથમ વખત યોજાવા જઈ રહ્યું છે. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ આશિષ ગુજરાતીએ જણાવ્યું હતું કે સુરતના વિવર્સ (weaver) અને ફેશન ડિઝાઈનરને પ્લેટ ફોર્મ મળે તે માટે આ એક્ઝિબીશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન માટે જુદા જુદા રાજ્યોમાં વેપારીઓને આમંત્રણ આપવામાં આવ્યા છે. ૨૦ રાજ્યોના બાયરો સુરતના આ એક્ઝિબીશનમાં મુલાકાત લેશે. સુરતમાં હવે અલગ અલગ કાપડ અને ખાસ કરીને ટેક્નિકલ ટેક્સટાઈલમાં પણ આગળ વધી રહ્યું છે જેથી સુરતના વિવર્સોને પોતાની પ્રોડક્ટ દર્શાવવાનો લાભ મળશે.
ચેમ્બરના ઉપપ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે સુરતની વિવિંગ ઇન્ડસ્ટ્રીને પ્રમોટ કરવા માટે પહેલીવાર ફેબ્રિકસનું એક્ઝિબીશન યોજાશે. આ વીવનીટ એક્ઝિબીશનમાં ૧૭૦થી વધારે સ્ટોલ રાખવામાં આવ્યા છે. જે તમામ સ્ટોલ માત્ર સુરતના વીવર્સોને જ આપવામાં આવશે. આ તમામ સ્ટોલ મળી અંદાજે ૫૦થી વધારે પ્રકારના ફેબ્રિક્સને ડિસપ્લે કરવામાં આવશે.વીવનીટ એક્ઝિબીશનના ચેરમેન મયુર ગોળવાલાએ જણાવ્યું હતું કે સુરતના વિવર્સોને એકજ છત્રની છે જુદા જુદા કાપડની ક્વોલિટી એકજ પ્લેટફોર્મ પર રજૂ કરવાની તક આ પ્રદર્શન થકી મળશે. પ્રદર્શનનો મુખ્ય હેતુ સુરતમાં કયા પ્રકારની સ્પેશ્યલ કાપડની વેરાયટી બને છે તેની જાણ ભારતના મહત્ત્વના શહેરોના વેપારીઓને મળે તે માટેનો છે. અત્યાર સુધીમાં એક પણ વાર સુરતમાં કે રાજ્યમાં આ પ્રકારના એક્ઝિબીશન યોજાયા નથી. વિદેશી વેપારીઓ પણ પ્રદર્શનની મુલાકાત લે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.