જમ્મુના કાશ્મીરના કુંજવાણી અને રત્નૂચકમાં ફરી ડ્રોન દેખાયા

જમ્મુ અને કાશ્મીરમાં પાકિસ્તાનના સમર્થનથી આતંકવાદ મચાવતા તત્વો પર મહ્દઅંશે કાબૂ મેળવી લેવામાં આવ્યો છે પરંતુ હવે આતંકવાદીઓ નવી નવી અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને હુમલાઓને અંજામ આપી રહ્યાં છે. જમ્મુ કાશ્મીરમાં સેનાના કેમ્પ પર જે આતંકવાદી હુમલો થયો હતો તેને ભારત સરકારે ખૂબ જ ગંભીરતાથી લીધો છે અને આગામી દિવસમાં ભારત તેનો વળતો જવાબ આપે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. દરમિયાન સોમવારે રાત્રે ફરી એક વખત જમ્મુ કાશ્મીરના આકાશમાં ડ્રોન (DRONE) જોવા મળ્યાં હતા. હવે કુંજવણી અને રત્નુચક વિસ્તારમાં આ ડ્રોન જોવા મળ્યા છે. આ વિસ્તારમાં અત્યાર સુધીમાં ત્રીજી વાર અને વિતેલા 24 કલાકમાં બીજી વખત ડ્રોન જોવા મળ્યાં છે. જો કે, આ ડ્રોન ખૂબ જ ઊંચાઇએ ઊડી રહ્યાં હતા અને તેમાંથી સફેદ રંગની લાઇટનો પ્રકાશ જોવા મળ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ ડ્રોન હુમલાની તપાસનો કમાન્ડ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને સોંપી દેવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે.

હવે ડ્રોનને તોડી પાડવા માટે ભારતીય સેના અને તેના કમાન્ડોએ સંપૂર્ણ તૈયારી કરી દીધી છે. સેનાના તમામ ઠેકાણાઓ પર એન્ટિ ડ્રોન ગનથી સજ્જ કમાન્ડો તૈનાત કરી દેવામાં આવ્યા છે. ફરીથી હુમલો થાય તેવી શક્યતાના આધારે જ્યાં પણ ડ્રોન દેખાઇ તેને તોડી પાડવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત આર્મીના તમામ યુનિટો અને છાવણીઓના જવાનોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. વાયુ સેનાના સ્ટેશનોને પણ એન્ટિ ડ્રોન ગનથી સજ્જ કરી દેવામાં આવ્યા છે. છેલ્લા બે દિવસથી જમ્મુ અને કાશ્મીરના આકાશમાં જે રીતે ડ્રોન(DRONE) આંટા ફેરા કરી રહ્યાં છે તેને મોટો પડકાર માનવામાં આવી રહ્યો છે કારણ કે, આ પ્રકારે અગાઉ ડ્રોનનો ઉપયોગ હુમલા માટે કરવામાં આવ્યો નથી. પંજાબના કેટલાક વિસ્તારોમાં માદક દ્રવ્યોની હેરા ફેરી માટે અત્યાર સુધી ડ્રોનનો ઉપયોગ કરવામાં આવતો હતો પરંતુ હુમલામાં પહેલી વખત તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે સેના પણ સજ્જ થઇ ચૂકી છે.

તો બીજી તરફ ભારતે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન (UNO) માં પણ આ મુદ્દો ઉઠાવ્યો હોવાની જાણકારી મળી રહી છે. જમ્મુમાં ઇન્ડિયન એરફોર્સના સ્ટેશન પર બે ડ્રોન હુમલા થયાના 24 કલાકમાં જ ભારતે સંયુક્ત રાષ્ટ્રોમાં આ મામલો ઉઠાવીને કહ્યું છે કે ભારતની સંપતિઓની વિરૂદ્ધમાં આતંકવાદીઓ હથિયારથી લદાયેલા ડ્રોનનો ઉપયોગ કરી રહ્યાં છે તેને ગંભીરતાથી લેવા જોઇએ. ભવિષ્યમાં આ એક મોટો ખતરો બનીને ઉભરી શકે છે. યુનોમાં ભારત તરફથી કહેવામાં આવ્યું છે કે, રણનિતીજ્ઞ અને વ્યાપારિક સંસ્થાનો ઉપર હથિયારથી સજ્જ ડ્રોનનો જે રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેના પર ધ્યાન આપવાની જરૂરિયાત છે. જો અત્યારથી જ તેના પર લગામ કસવામાં નહીં આવે તો આગામી દિવસોમાં તે એક નવો અને ગંભીર ખતરો બનીને સામે આવે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી અને ભવિષ્યમાં તેના પર કાબૂ મેળવવો પણ અઘરો થઇ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *