મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કાનેસર ગામના એક મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલો ત્રણ મહિનાનો ધૈર્યરાજસિંહ સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી ફેક્ટ શીટ-1 (એસએમએ-1) નામની દુર્લભ બીમારીથી પીડાઈ રહ્યો છે. જેને બચાવવા માટે 16 કરોડ રૂપિયાની કિંમતનું ઇન્જેક્શન લગાવવુ જરૂરી હતું, જોકે, એક મધ્યવર્ગીય પરિવાર પાસે આટલા પૈસા ક્યાંથી હોય, તેથી ધૈર્યરાજના પિતા રાજદીપસિંહ રાઠોડે ધૈર્યરાજના નામે ‘ઈમ્પેક્ટ ગુરુ’ નામની એનજીઓમાં ખાતું ખોલાવીને દાન માટે અપીલ કરવાનું નક્કી કર્યું હતું. આ રકમ ભેગી કરવા તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી દુનિયાભરના લોકો સમક્ષ દાન આપવાની ટહેલ નાખી હતી. જેમાં 16 કરોડથી પણ વધુ દાન આવતા ઇન્જેક્શન મંગાવ્યું હતું. આ રોગની સારવાર માટે રૂ. 16 કરોડનું એક ઈન્જેક્શન અમેરિકાથી આવી ગયું છે. આજે મુંબઈની હોસ્પિટલમાં ધૈર્યરાજને દાખલ કરવામાં આવશે અને આવતીકાલે 16 કરોડનું ઈન્જેકશન મૂકવામાં આવશે.
