દમણ પુલ દુર્ઘટનાના વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ

ગત 28 ઓગસ્ટ-2003ના રોજ નાની દમણ(DAMAN)અને મોટી દમણને જોડતા પુલ પર મોટી દમણની અવર લેડી ઓફ ફાતિમા સ્કૂલનાં બાળકો બપોરે સ્કૂલમાંથી છૂટી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. ત્યારે અચાનક પૂલ દમણગંગા નદીમાં તૂટી પડતા સ્કૂલનાં 28 વિદ્યાર્થીઓ સહિત એક શિક્ષક અને એક રાહદારી મળી કુલ 30 લોકો પાણીમાં ડૂબી જતાં મોતને ભેટ્યા હતા. ત્યારથી આજદિન સુધી 28 ઓગસ્ટ દમણ માટે કાળો દિવસ સાબિત થઈ રહ્યો છે. મૃતકોના આત્માને શાંતિ મળે એવા આશય સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ અવર લેડી ઓફ ફાતિમાં સ્કૂલ બહાર મૃતક બાળકોના સ્મારક ઉપર શ્રદ્ધાંજલિ અર્પિત કરી તેમના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરવામાં આવી હતી. ખાસ આજના આ દિવસે સ્કૂલ પ્રશાસન દ્વારા કેન્ડલ પ્રગટાવી વિદ્યાર્થીઓને શ્રધ્ધાંજલિ અર્પી હતી. પ્રદેશનાં સાંસદ લાલુભાઈ પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ દિપેશ ટંડેલ, જિ. પ્રમુખ અસ્પી દમણીયા, યુથ એક્શન ફોર્સનાં પ્રમુખ ઉમેશ પટેલ સહિત અન્ય લોકોએ બાળકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ કામનાં જવાબદારોને હવે આકરામાં આકરી સજા ફટકારવામાં આવે અને બાળકોને આટલા વર્ષો વિતી ગયા બાદ હવે ન્યાય મળે એવી ઈચ્છા વ્યક્ત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *