કોવિડ સંક્રમણ માટે ભીડ ખૂબ જ જોખમી : કેન્દ્ર સરકાર

કોવિડને લગતા લૉકડાઉનના નિયંત્રણો કેટલાક બજારો અને અન્ય સ્થળોએ ભીડ કરવા તરફ દોરી ગયા છે એમ કેન્દ્ર સરકારે આજે જણાવ્યું હતું અને રાજ્યોને વિનંતી કરી હતી કે તે અત્યંત અગત્યની પાંચ પાંખિયા વ્યુહરચના સુનિશ્ચિત કરે જેમાં કોવિડને અનુરૂપ વર્તણૂક, ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ અને વેક્સિનેશનનો સમાવેશ થાય છે. તમામ રાજ્યો અને સંઘ પ્રદેશોને મોકલેલા એક સંદેશામાં કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ એમ પણ જણાવ્યું હતું કે કોવિડ-૧૯ સામેનું રસીકરણ એ હાલના સંજોગોમાં સંક્રમણની ચેઇન તોડવા માટે ખૂબ અગત્યનું છે. આથી, તમામ રાજ્યો અને સંઘપ્રદેશોએ રસીકરણની ઝડપ વધારવી જોઇએ અને ઝડપી રીતે મહત્તમ સંખ્યામા લોકોને આવરી લેવા જોઇએ એમ તેમણે જણાવ્યું હતું. ગૃહ સચિવે જણાવ્યું હતું કે કોવિડના બીજા મોજા દરમ્યાન ઘણા રાજ્યો અને સંઘ પ્રદેશોમાં કેસોમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો હતો અને તેમનામાંના ઘણાએ ચેપનો ફેલાવો અટકાવવા માટે નિયંત્રણો લાદ્યા હતા. જ્યારે સક્રિય કેસોની સંખ્યા ઘટી ગઇ છે ત્યારે ઘણા રાજ્યોએ નિયંત્રણો હળવા કરવાનું શરૂ કર્યું છે. નિયંત્રણો લાદવાના કે હળવા કરવાના નિર્ણયો તળ ભૂમિકા પર સ્થિતિના વિશ્લેષણના આધારે લેવાના છે એ મુજબ તેમણે જણાવ્યું હતું. સચિવે જણાવ્યું હતું કે રાજ્યો અને સંઘપ્રદેશોએ એ સુનિશ્ચિત કરવું જોઇએ કે આ આખી પ્રક્રિયા કાળજીપૂર્વકની રીતે ગણતરી કરીને હાથ ધરવામાં આવે. ગૃહ સચિવે કહ્યું હતું કે કોવિડ-૧૯ને અનુરૂપ વર્તણૂક પર નિયમિત દેખરેખ જરૂરી છે. કોવિડ યોગ્ય વર્તણૂકમાં માસ્કનો ઉપયોગ, હાથની સ્વચ્છતા, સોશ્યલ ડિસ્ટન્સિંગ અને બંધ સ્થળોનું યોગ્ય વેન્ટિલેશનનો સમાવેશ થાય છે એમ તેમણે જણાવ્યું હતું. હવે કોરોનાના કેસ ધીરે ધીરે સમગ્ર દેશમાં ઘટી રહ્યાં છે. જેના કારણે હવે નિયંત્રણો હળવા થવા જોઇએ તેવું સરકાર સ્પષ્ટપણે માની રહી છે. તેમ છતાં પણ સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે કે કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે. કોરોના હજી પણ અસ્તિત્વમાં છે જ એટલે સાવચેતી રાખવી પણ ખૂબ જ જરૂરી છે. નિયંત્રણ હળવા કરવાની સાથે સાથે મોટી સંખ્યામાં લોકો એક જ સ્થળે એકત્રીત નહીં થાય તેની પણ કાળજી રાખવી એટલું જ અગત્યનું છે. ખાસ કરીને જુદા જુદા બજારો, ધાર્મિક સ્થળો અને ધાર્મિક મેળવડાઓ દરમિયાન લોકો જોખમી રીતે એકત્ર નહીં થાય અને જો થાય તો પણ એકબીજાથી અંતર જાળવી રાખે તે ખૂબ જ જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *