કોરોના રસીકરણ માટે 30 જુલાઈ સુધી કૉ-વિન પ્લૅટફૉર્મ પર 43.17 કરોડ નોંધણીઓમાંથી 62.54 ટકા નોંધણી સ્થળ પર કરવામાં આવી હતી અને 45.10 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે, જેમાંથી 77 ટકા ઓનસાઇટ અથવા વોક-ઇન મોડ દ્વારા આપવામાં આવ્યા હતા. એમ રાજ્યસભાને મંગળવારે કહેવામાં આવ્યું હતું. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, કૉ-વિન સિસ્ટમ એક વ્યાપક પ્લેટફોર્મ છે. જે ડિજિટલ સાક્ષરતાની હદ અને કેટલાક વિસ્તારોમાં ડિજિટલ ઉપકરણોની પહોંચના અભાવના કારણે સર્જાયેલી મર્યાદાઓ અને પડકારોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, શારીરિક, ડિજિટલ અથવા સામાજિક-આર્થિક અવરોધોને ધ્યાનમાં લીધા વગર દરેક લાયક વ્યક્તિ રસી લઈ શકે છે. તેમજ આ અંગે ખાતરી કરવા માટે તમામ જરૂરી સુવિધાઓ કૉ-વિન પ્લૅટફૉર્મમાં સમાવવામાં આવી છે.
ઑનલાઈન સેલ્ફ રજીસ્ટ્રેશન અને એપોઈન્ટમેન્ટ ઉપરાંત, કૉ-વિન રસીકરણ માટે ઑન-સાઈટ રજીસ્ટ્રેશન-વોક-ઇન એપોઈન્ટમેન્ટ પણ ઑફર કરે છે. જે લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરતાં નથી તેઓ વોક-ઈન રજીસ્ટ્રેશન પસંદ કરી શકે છે. માંડવિયાએ જણાવ્યું હતું કે, ઑન સાઈટ,વોક-ઈન મોડમાં 62.54 ટકા રજિસ્ટ્રેશન અને 77 ટકા રસીકરણ સાથે આ મુખ્ય રજીસ્ટ્રેશન મોડ છે. ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં મંગળવારે 171 હેલ્થ કેર વર્કર અને ફન્ટ લાઈન વર્કરને પ્રથમ ડોઝ અને 4,525ને બીજો ડોઝ, જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના 81,989 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 39,558ને બીજો ડોઝ, તેવી જ રીતે 18-45 વર્ષ સુધીના 1,85,965 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 30,979ને બીજો ડોઝ મળી કુલ 3,43,187 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 3,44,19,588 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું છે.