ખતરાનો સંકેત : એક જ દિવસમાં કોરોના 12000 દર્દી વધ્યા

ગયા વર્ષે માર્ચ મહિનાથી દેશ કોરોના સંકટનો સામનો કરી રહ્યો છે. 13મી જાન્યુઆરીએ દેશમાં કોરોનાનો પહેલો પોઝિટિવ દર્દી મળી આવ્યો હતો. ત્યાર બાદ દિલ્હીમાં કોરોનાના કેસોએ માથું ઉંચક્યું હતું અને માર્ચ મહિનાની મધ્યમાં કોરોનાના કેસો ખતરનાક રીતે આગળ વધી રહ્યાં હતાં. જેના કારણે 22મી માર્ચથી દેશમાં લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું હતું ત્યાર બાદ માંડ માંડ સપ્ટેમ્બરના અંત સુધીમાં કોરોનાની પ્રથમ લહેર સમાપ્ત થઇ હતી. ત્યાર બાદ નવેમ્બરમાં ફરીથી કોરોનાએ માથું ઉંચકવાનું શરૂ કર્યું હતું અને જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં તો બીજી લહેરે હાહાકાર મચાવી દીધો હતો. ખાસ કરીને ઓક્સિનજ અને રેમડેસિવિર ઇન્જેકશનની ભાર અછત ઉભી થઇ હતી. ત્યાર બાદ છેલ્લા એકાદ મહિનાથી કોરોનાના કેસ કાબૂમાં આવ્યા છે. અને બીજી લહેર લગભગ પૂર્ણ થવાના આરે છે ત્યારે હવે સંભવિત ત્રીજી લહેરનો ખતરો દેશ પર મંડરાઇ રહ્યો છે. દરમિયાન બુધવારે કોરોનાના કેસોમાં અચાનક જ મોટો ઉછાળો જોવા મલ્યો હતો. આ ઉછાળો એટલો મોટો હતો કે તેને ત્રીજી લહેર માટે ખતરાની ઘંટડી ગણી શકાય તેમ છે. વિતેલા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 42,124 કેસ નોંધાયા છે અને મંગળવારે 30000 જેટલા કેસ નોંધાયા હતા આમ 24 કલાકમાં જ 12 હજાર જેટલા નવા કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.

તો બીજી તરફ કોરોનામાં નવા 3998 લોકોનાં મોત થયાં છે જે ગઇ કાલે 374 હતાં. જો કે, આ મોત છે તે જૂના આંકડા ઉમેરવામાં આવતા વધ્યા હોવાનો દાવો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર હાલમાં દેશમાં કોરોનાના 4.7 લાખ જેટલા દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે જ્યારે દર્દીઓનો સાજા થવાનો રેશિયો 97 ટકાની પણ ઉપર હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.બીજી તરફ વિશ્વની સ્થિતિ પર નજર કરીએ તો એક હતાશાજનક પીછેહટના સંકેતમાં વિશ્વમાં કોવિડ-૧૯ના કેસો અને તેનાથી થતા મૃત્યુઓના પ્રમાણમાં ફરીથી વધારો થયો છે જે નિયંત્રણોનો વધુ એક રાઉન્ડ નોતરી રહ્યો છે અને સામાન્ય જીવન તરફ પાછા ફરવા માટેની આશાઓ પર પાણી ફરી રહ્યું છે. વિશ્વ આરોગ્ય સંગઠન(હુ)એ બુધવારે અહેવાલ આપ્યો હતો કે સતત નવ સપ્તાહના ઘટાડા પછી મૃત્યુઓનું પ્રમાણ ગયા સપ્તાહે વધ્યું છે. તેણે નોંધ્યું હતું કે તે સપ્તાહ દરમિયાન પપ૦૦૦ કરતા વધુ જીવન ગુમાવાયા છે, જે અગાઉના સપ્તાહ કરતા ૩ ટકાનો વધારો સૂચવે છે. ગયા સપ્તાહે કેસો ૧૦ ટકા વધીને ૩૦ લાખ જેટલા થયા હતા, જેમાં સૌથી ઉંચા આંકડાઓ બ્રાઝિલ, ભારત, ઇન્ડોનેશિયા અને બ્રિટનમાં નોંધાય એમ હુ જણાવે છે. આ પીછહેટને માટે રસીકરણના નીચા દર, માસ્કના નિયમોમાં તથા અન્ય પૂર્વસાવચેતીઓમાં છૂટછાટ તથા વધુ ચેપી ડેલ્ટા વેરિઅન્ટના ઝડપી ફેલાવાને જવાબદાર ગણવામાં આવે છે. ડેલ્ટા વેરિઅન્ટ અંગે હુએ કહ્યું છે કે તે હવે ૧૧૧ દેશોમાં મળી આવ્યો છે અને આગામી મહિનાઓમાં તે વૈશ્વિક રીતે પ્રભુત્વ ધરાવતો થઇ જશે. એ અગત્યનું છે કે આપણે એ બાબતને માન્ય રાખીએ કે કોવિડ વિસ્ફોટક રીતે ફાટવાની શક્યતાઓ ધરાવે છે એવી ચેતવણી જહોન હોપકિન્સ યુનિવર્સિટીના ચેપી રોગોના નિષ્ણાત ડો. ડેવિડે આપી હતી. કેસોમાં અને મૃત્યુઓના આંકમાં ઉછાળા સાથે હાલ સૌથી વધુ અસરગ્રસ્ત આર્જેન્ટિનામાં મૃત્યુઆંક ૧૦૦૦૦૦ને વટાવી ગયો છે.

બેલ્જીયમમાં ગત સપ્તાહે કેસો ડબલ થઇ ગયા છે જ્યાં ડેલ્ટા વેરિઅન્ટથી યુવા વસ્તીને વધુ અસર થઇ છે. અમેરિકામાં પણ મહિનાઓના ઘટાડા પછી ફરીથી કેસો વધી રહ્યા છે અને છેલ્લા ત્રણ સપ્તાહમાં ત્યાં કોવિડના કેસો બમણા થઇ ગયા છે. આના માટે ત્યાં ડેલ્ટા વેરિઅન્ટ, ધીમુ રસીકરણ અને ચોથી જુલાઇના ઉત્સવની ભીડભાડને જવાબદાર માનવામાં આવે છે. ભારતમાં કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓ માટે એક નવી સમસ્યા ઉભી થઇ છે. કોવિડ-૧૯ કોઇ વ્યક્તિને સક્રિય ટ્યુબરક્યુલોસિસનો ભોગ બનવા માટે વધુ સંવેદનશીલ બનાવી શકે છે કારણ કે તે બ્લેક ફંગસની જેમ એક તકવાદી રોગ છે પણ હાલમાં એવા કોઇ પુરતા પુરાવા નથી કે હાલમાં ટીબીના વધેલા કેસો માટે આ વાયરલ રોગ(કોવિડ-૧૯) જ જવાબદાર છે એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જણાવ્યું હતું. મંત્રાલયે જણાવ્યું છે કે ટ્યુબરકયુલોસિસના કેસો જાહેર થવાનું ૨૦૨૦માં કોવિડને લગતા નિયંત્રણોને કારણે ૨૫ ટકા ઘટી ગયું હતું અને આ અસરને પહોંચી વળવા કેસ શોધવાનું કામ વધારીને પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એક નિવેદનમાં આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે કેટલાક સમાચાર અહેવાલો સૂચવે છે કે કોવિડ-૧૯ના ચેપનો ભોગ બનેલા દર્દીઓમાં ટીબીના કેસોમાં અચાનક વધારો ધ્યાન પર આવ્યો છે, જેને કારણે દરરોજના એક ડઝન જેટલા આવા કેસો જોતા ડોકટરો ચિંતામાં પડી ગયા છે. એવી સ્પષ્ટતા કરવામાં આવે છે કે કોવિડ-૧૯ના તમામ દર્દીઓમાં ટીબીનું સક્રિનિંગ અને ટીબીનું નિદાન થયું હોય તેવા તમામ દર્દીઓમાં કોવિડ-૧૯ સ્ક્રીનિંગ કરવાની ભલામણ આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. ટીબીના બેસીલી માણસના શરીરમાં સુષુપ્ત સ્વરૂપમાં હોઇ શકે છે અને જો કોઇની પ્રતિકારક શક્તિ ઘટે તો આ જંતુઓ પોતાની સંખ્યા વધારવાનું શરુ કરે છે અને કોવિડના કારણે કે તેની ચોક્કસ સારવારને કારણે માણસની રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *