વિશ્વના અત્યાર સુધીના સૌથી મોટા કટોકટી પ્રતિસાદમાં કોવિડ-૧૯ના રોગચાળા સામેની લડત માટે છેલ્લા ૧પ માસમાં આરોગ્ય, આર્થિક અને સામાજીક મોરચે ૧૫૭ અબજ ડોલર કરતા વધુ રકમ કામે લગાડવામાં આવી છે એમ વર્લ્ડ બેન્કે જણાવ્યું છે. આ બાબત દર્શાવે છે કે રોગચાળો શરૂ થવા પહેલાના ૧૫ મહિના જેટલા સમયમાં આ મોરચાઓ પર ફાળવવામાં આવતી રકમ કરતા આ રકમ ૬૦ ટકા વધારે છે એમ વિશ્વ બેન્કે સોમવારે જણાવ્યું હતું. રોગચાળાની શરૂઆતથી વર્લ્ડ બેન્ક ગ્રુપે નવા ધિરાણ માટે ૧૫૭ અબજ ડોલરની રકમ આપવાની પ્રતિબધ્ધતા દર્શાવી છે કે પૂરી પાડી છે.
એક અભૂતપૂર્વ કટોકટી માટે ટેકાનું આ અભૂતપૂર્વ સ્તર છે એમ વર્લ્ડ બેન્ક ગ્રુપના પ્રમુખ ડેવિડ માલપાસે જણાવ્યું હતું. અમે વિકાસશીલ દેશોને મહત્વની સહાય પૂરી પાડવાનું ચાલુ રાખીશું જેથી તેઓ આ ચાલી રહેલા રોગચાળામાં વધુ વ્યાપક આર્થિક રિકવરી પ્રાપ્ત કરવામાં મદદ મળી શકે એમ તેમણે જણાવ્યું હતું. પરંતુ આપણે હજી વધુ કરવું જ જોઇએ એમ તેમણે કહ્યું હતું અને વધુમાં જણાવ્યું હતું કે તેઓ રસીઓની મર્યાદિત ઉપલબ્ધતા અંગે ઉંડાણપૂર્વક ચિંતીત છે જે રસીઓ જીવનો અને જીવાદોરીઓ બચાવવા માટે વિકાસશીલ દેશો માટે ખૂબ મહત્વની છે. છેલ્લા ૧પ મહિનામાં વિશ્વ બેન્ક અને તેની ખાનગી ક્ષેત્રના વિકાસ માટેની શાખાએ શૂન્ય કે નીચા વ્યાજ દરના ધિરાણો સહિત વિવિધ સહાય વિશ્નના ગરીબ અને વિકાસશીલ દેશોને કરી છે. દરમિયાન ભારતમાં કોરોનાના નવા 30,093 કેસ નોંધાયા છે. જે છેલ્લા 125 દિવસમાં સૌથી ઓછા છે. આ સાથે અત્યાર સુધી નોંધાયેલા કુલ કેસની સંખ્યા વધીને 3,11,74,322 થઈ ગઈ છે. એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે આંકડા અપડેટ કરતાં કહ્યું હતું. દેશમાં વધુ 374 મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 4,14,482 પર પહોંચી ગયો છે.
દેશમાં નોંધાયેલા દૈનિક મોત છેલ્લા 111 દિવસમાં સૌથી ઓછા છે. જ્યારે, સક્રિય કેસ ઘટીને 4,06,130 થઈ ગયા છે, જે 117 દિવસમાં સૌથી ઓછા છે. સવારે 8 વાગ્યે અપડેટ કરવામાં આવેલા આંકડા દર્શાવે છે કે, હાલના સક્રિય કેસ કુલ કેસના 1.30 ટકા છે. જ્યારે, કોરોના સામે સાજા થવાનો દર વધીને 97.37 ટકા નોંધાયો છે. દેશમાં છેલ્લા 24 કલાકના ગાળામાં સક્રિય કેસલોડમાં 15,535 કેસનો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે. દેશમાં સોમવારે 17,92,336 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે અત્યાર સુધી કરવામાં આવેલા ટેસ્ટની કુલ સંખ્યા વધીને 44,73,41,133 થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર, દૈનિક પોઝિટિવિટી દર 1.68 ટકા નોંધાયો હતો. જે સતત 29 દિવસથી ત્રણ ટકાથી ઓછો રહ્યો છે. જ્યારે, સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 2.06 ટકા સુધી ઘટી ગયો છે.આંકડા અનુસાર, કોરોનાને માત આપી સ્વસ્થ થનાર લોકોની સંખ્યા વધીને 3,003,53,710 થઈ ગઈ છે. જ્યારે, મૃત્યુદર 1.33 ટકા નોંધાયો છે. દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધી રસીના કુલ 41.18 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.