વરસાદી વાતાવરણ વચ્ચે સમગ્ર ઉમરગામ પંથકમાં છેલ્લા ૮ કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. સોમવારે સવારથી જ સમગ્ર ઉમરગામ તાલુકામાં વરસાદી માહોલ જામ્યો હતો. સવારે છ વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધીમાં ૫૪ મીમી (બે ઇંચ)થી વધુ વરસાદ નોંધાયો હતો. ફલડ કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર મોસમનો કુલ વરસાદ ૨૧૦૭ મીમી એટલે કે ૮૫ ઈંચ જેટલો નોંધાયો છે. વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં મુખ્ય માર્ગો પર પાણી ભરાયા હતા. ઉમરગામ દહેરી કોસ્ટલ હાઇવે ઉપર નીચાણવાળા માર્ગ પાસે પાણી ભરાતા વાહનચાલકો હાલાકી વેઠતી જોવા મળ્યા હતા. આ રોડ ઉપર પાણી ભરાયેલા હોય સાવચેતી રાખવા અને અંદરના ગામ્ય રસ્તાનો ઉપયોગ કરવા પોલીસ તંત્ર તથા પંચાયત દ્વારા બોર્ડ પણ લગાડવામાં આવ્યા હતા.
