12મી જુલાઇના રોજ અષાઢી બીજે નીકળનારી ભગવાન જગન્નાથની ૧૪૪મી રથયાત્રાની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે રવિવારે અમદાવાદમાં જમાલપુરમાં જગન્નાથ મંદિરમાં સંધ્યા આરતી કરીને રથયાત્રાની તૈયારીઓની સમીક્ષા કરશે. રૂપાણી સાંજે ૬.૩૦ કલાકે જગન્નાથ મંદિર જશે અને ભગવાન જગન્નાથજીની સંધ્યા આરતીમાં સહભાગી થશે. આ વર્ષે ૧૪૪મી જગન્નાથ રથયાત્રા કોવિડ સંક્રમણ નિયંત્રણના નિયમોના અનુપાલન સાથે યોજાવાની છે ત્યારે મુખ્યમંત્રી રૂપાણી આ રથયાત્રાની પૂર્વ તૈયારીઓ અંગે મંદિરના ટ્રસ્ટીઓ તથા પોલીસ તંત્ર અને અમદાવાદ મહાનગરપાલિકા અને વહિવટી તંત્રના અધિકારીઓ તથા પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજશે.
