પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહે બુધવારે અહીં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. જેનાથી રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા તેમની ભાવિ યોજનાઓ પર અટકળો શરૂ થઈ ગઈ હતી. આશરે 45 મિનિટ સુધી ચાલેલી તેમની બેઠક બાદ સિંહે ટ્વિટ કર્યું કે, દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જીને મળ્યો. કૃષિ કાયદા સામે લાંબા સમયથી ચાલતા ખેડૂતોના આંદોલનની ચર્ચા કરી અને તેમને કાયદાને રદ કરવા અને એમએસપીની ગેરંટી સાથે તાત્કાલિક કટોકટી ઉકેલવા અને પાક વૈવિધ્યકરણમાં પંજાબને ટેકો આપવા વિનંતી કરી હતી. જો કે, સિંહે પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યાના થોડા દિવસો બાદ થયેલી રાજકીય રીતે મહત્વની બેઠકે વિધાનસભા ચૂંટણી પહેલા તેમની ભાવિ યોજનાઓ પર અટકળો ઊભી કરી હતી અને કેટલાક રાજકીય વિશ્લેષકોએ તેને સંકેત તરીકે જોયું હતું કે, સિંહ ભારતીય જનતા પાર્ટીનો (ભાજપ) ટેકો માગી રહ્યા છે.
સૂત્રોએ જણાવ્યું કે, પંજાબના પૂર્વ મુખ્યમંત્રીએ શાહ સાથે પંજાબની આંતરિક સુરક્ષાની સ્થિતિ અંગે પણ ચર્ચા કરી હોવાનું જાણવા મળ્યું છે.સિંહ દાવો કરી રહ્યા છે કે, પંજાબમાં અસ્થિરતા પાકિસ્તાનને સરહદી રાજ્યમાં વિક્ષેપ પેદા કરવાનું આમંત્રણ આપી શકે છે. એવા અહેવાલો છે કે, અમરિંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી શકે છે. પરંતુ, આ અંગે સત્તાવાર પુષ્ટિ નથી.સૂત્રોના જણાવ્યાં અનુસાર, તેઓ કૉંગ્રેસના દિગ્ગજ નેતા કપિલ સિબ્બલ અને ગુલામ નબી આઝાદ સહિતના ‘ગ્રુપ ઑફ 23’ નેતાઓમાંથી કેટલાકને પણ મળી શકે છે.શાહ સાથેની સિંહની મુલાકાત મહત્વ ધરાવે છે. કારણ કે, કૉંગ્રેસી નેતાએ તેમની ભાવિ યોજનાઓ જાહેર કરી નથી. પરંતુ ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેમણે રાજકારણ છોડ્યું નથી અને તેઓ અંત સુધી લડશે.સિંહે એમ પણ કહ્યું હતું કે, તેમની સામે ઘણા વિકલ્પો છે.