રાજ્યના ચૂંટણીપંચ દ્વારા પાલિકાઓ, મહાનગરપાલિકાઓ, જિલ્લા અને તાલુકા પંચાયતોની ખાલી પડેલી જગ્યા માટે મધ્યસ્થ ચૂંટણી યોજવાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. જેમાં વલસાડ નગરપાલિકામાં ખાલી પડેલી 5 બેઠકની પેટાચૂંટણીનો પણ સમાવેશ થાય છે. જેના પગલે પાલિકામાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ વલસાડ પાલિકાના વોર્ડ નં.1 ના સભ્ય ઉજેશ પટેલ, વોર્ડ નં..5ના સભ્ય પ્રવીણ કચ્છી, વોર્ડ નં.2 ના સભ્ય અને પાલિકાના માજી પ્રમુખ રાજુ મરચા, ઉપરાંત વોર્ડ નં. 6ના સભ્ય યસેશ માલીને સામાન્ય સભામાં હોબાળો અને અસભ્ય વર્તન કરવા બદલ સભ્યપદેથી સસ્પેન્ડ કરી દેવાયા હતા. જ્યારે વોર્ડ નં. 1ના એક પાલિકા સભ્યનું કોરોનામાં નિધન થયું હતું. આમ કુલ 5 વોર્ડ બેઠકની પેટા ચૂંટણી આગામી 3જી ઓક્ટો.યોજાશે. જેના પગલે પાલિકા વર્તુળમાં ચૂંટણીલક્ષી વાતાવરણ શરૂ થઈ ચૂક્યું છે.
