રાજ્યના પૂર્વ શિક્ષણમંત્રી સ્વ.ગોરધનદાસ ચોખાવાળા સ્થાપિત અંધજન મંડળ-સુરત સંચાલિત અંધજન શાળામાં ધો.૧થી૧૨ સુધીનું શિક્ષણ વિનામુલ્યે અપાય છે. વિદ્યાર્થીઓને કોરોનાકાળમાં ઓનલાઈન શિક્ષણ આપીને પરીક્ષાઓ પણ ઓનલાઈન લેવામાં આવી હતી. શિક્ષણ મેળવવામાં અવરોધ ન પડે એ માટે મોબાઈલની સુવિધા ન હોય એવા ગરીબ-વંચિત વિદ્યાર્થીઓને સંસ્થા દ્વારા મોબાઈલની સુવિધા પણ આપવામાં આવી હતી. ઘોડદોડ વિસ્તાર સ્થિત અંધજન શિક્ષણ મંડળ,સુરત સંચાલિત અંધજન શાળામાં પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એમ વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારી શિક્ષકો-કર્મચારીઓનો કોરોનાના કપરા કાળમાં પગાર પણ કાપવામાં આવ્યો નથી કે ફરજમુક્ત કરવામાં આવ્યા નથી, જે અંધજન શિક્ષણ મંડળના કર્મચારીઓ માટે ગૌરવપ્રદ વાત છે.
સ્વ.ગોરધનદાસ ચોખાવાળાના આદર્શોને ઉજાગર કરતી આ ઉમદા સંસ્થા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની વર્તમાન સમયમાં પણ કાળજીભર્યું માર્ગદર્શન આપે છે. સંસ્થામાં અભ્યાસ કર્યા બાદ વિદ્યાર્થીઓ પગભર બની શકે એ માટે અભ્યાસની સાથે કૌશલ્ય વિકાસ માટે હુન્નર પણ શીખવવામાં આવે છે. જે સંસ્થાની ‘લર્ન એન્ડ અર્ન’ની નીતિને અભિવ્યક્ત કરે છે. એલ એન્ડ ટી. કંપનીના સૌજન્યથી મ્યુઝિક રેકોર્ડીંગ રૂમની પણ સુંદર વ્યવસ્થા છે. સંસ્થાના બાળકો સંગીત શિક્ષણ મેળવવાની સાથે “મ્યુઝિકલ પાર્ટી” દ્વારા વિવિધ પ્રસંગોમાં જઈને પોતાની કલા રજૂ કરી રહયા છે.આ સંસ્થામાં પૂર્વ કલેક્ટર અને નાયબ મ્યુનિ.કમિશનરશ્રી આર.જે.પટેલ (નિવૃત્ત આઈ.એ.એસ.) વિશિષ્ટ સેવાઓ આપી રહ્યા છે. સમગ્ર ગુજરાત તેમજ અન્ય રાજ્યોના પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને નિ:શુલ્ક શિક્ષણ આપવામાં આવે છે.