ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાયરસના કેસોમાં ફરીથી ઉછાળો નોંધાયો છે અને નવા ૬૪૨ કેસો તથા ચાર મૃત્યુઓ નોંધાયા પછી સીડની શહેરમાં લાદવામાં આવેલું લૉકડાઉન ઓકટોબર સુધી લંબાવવામાં આવ્યું છે તથા અન્ય નિયંત્રણો પણ કડક બનાવવામાં આવ્યા છે. આ કેસો ઓસ્ટ્રેલિયાના સાઉથ વેલ્સમાં મોટે ભાગે નોંધાયા છે. આમાંથી ૧૧ કેસો તો એક ગેરકાયદે પાર્ટીમાં ભાગ લેનારા લોકોના જ છે. આ ૬૦૦થી વધુ કેસો અને ચારના મોત પછી સરકાર વધુ કડક બની છે. સિડનીના દક્ષિણ-પશ્ચિમના ૧૨ સ્થાનિક સરકારના વિસ્તારોમાં લૉકડાઉન ઓકટોબર સુધી લંબાવી દેવામાં આવ્યું છે જેમાં રાતના ૯થી સવારના પ સુધીના કર્ફ્યુનો પણ સમાવેશ થાય છે. કામ વગર લોકોને અહીં બહાર નિકળવાની મનાઇ છે અને ફક્ત જરૂરી કામ માટે જનારાઓને જ બહાર જવાન છૂટ છે. આ ઉપરાંત બહાર નીકળતી વખતે માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવાયું છે. પોલીસને વધુ સત્તા આપવામાં આવી છે અને બાળકો તથા અપંગોની સંભાળ રાખતા કાર્યકરો માટે મહિનાના અંત સુધીમાં રસીનો એક ડોઝ લઇ લેવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
