પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ડેરા ગાઝી ખાન જિલ્લામાં સોમવારે હાઇવે પર એક પેસેન્જર બસ ટ્રેલર ટ્રક સાથે ટકરાતાં ઓછામાં ઓછા 31 લોકોનાં મોત અને 60થી વધુ લોકો ઘાયલ થયા હતા. જેમાંથી, મોટે ભાગે મજૂર હતા જેઓ ઇદ-ઉલ અઝાની ઉજવણી માટે તેમના વતન જઇ રહ્યા હતા. બસ સિયાલકોટથી રાજનપુર જઈ રહી હતી. જ્યારે લાહોરથી આશરે 430 કિલોમીટર દૂર ડેરા ગાઝી ખાન જિલ્લાના તાઉનસા બાયપાસ નજીક સિંધુ હાઇવે પર આ અકસ્માત સર્જાયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, મોટાભાગના મુસાફરો મજૂર હતા તેઓ બુધવારે ઇદ-ઉલ અઝાની ઉજવણી કરવા તેમના વતન જઈ રહ્યા હતા.ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તબીબી કર્મચારીઓએ તેમના આગમન પર 18 લોકોનાં મોતની પુષ્ટિ કરી હતી.
પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ મંત્રી ફવાદ ચૌધરીએ એક ટ્વિટ દ્વારા પુષ્ટિ કરી છે કે, ડેરા ગાઝી ખાન નજીક થયેલા અકસ્માતમાં ઓછામાં ઓછા ત્રીસ લોકોએ જીવ ગુમાવ્યો છે. તેમણે જાહેર વાહન ચાલકોને મુસાફરોની સલામતી માટે કાળજીપૂર્વક વાહન ચલાવવાની અપીલ કરી છે. જિલ્લાના ઇમર્જન્સી બચાવ ઑફિસર ડો.નૈયર આલમે જીઓ ન્યૂઝ દ્વારા કહ્યું કે, બસમાં 75 મુસાફરો સવાર હતા. રિપોર્ટમાં જણાવાયું છે કે, તમામ ઇજાગ્રસ્તોને ટીચિંગ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ઇજાગ્રસ્ત મુસાફરને ટાંકતા એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, એવું લાગે છે કે બસના ડ્રાઇવરને ઊંઘ આવી ગઈ હોવાથી બસ પરથી કાબૂ ગુમાવ્યો હતો જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો. પંજાબના મુખ્યમંત્રી ઉસ્માન બુઝદારે અકસ્માત અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું, પરંતુ પીડિતોને કોઈ વળતરની જાહેરાત કરી નથી. ગૃહમંત્રી શેખ રશીદે અકસ્માતમાં થયેલ મોત પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે, આ ઘટના આગામી રજાઓ માટે ઘરે પરત જતા લોકો માટે ‘આફત’ કરતા ઓછી નથી.