જમ્મુ કાશ્મીરમાં સેનાનું હેલિકોપ્ટર તૂટી પડ્યું

જમ્મુ અને કાશ્મીરના કઠુઆમાં રણજીત સાગર ડેમ તળાવમાં મંગળવારે આર્મીનું એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. અધિકારીઓએ ગુમ થયેલાઓને શોધવા માટે મોટાપાયે સર્ચ ઑપરેશન શરૂ કર્યું હતું. પંજાબના પઠાનકોટથી આશરે 30 કિમી દૂર આ ડેમ આવેલો છે અને આ ઘટના રાત્રે 10.30 વાગ્યાની આસપાસ દુર્ઘટના સર્જાઈ હતી. કઠુઆના વરિષ્ઠ પોલીસ અધિક્ષક (એસએસપી) આર સી કોટવાલે જણાવ્યું હતું કે, સેના અને બોટ્સને સર્ચ ઑપરેશન માટે મોકલવામાં આવી છે. સર્ચ ઑપરેશનમાં હેલિકોપ્ટરના કેટલાક ટુકડા મળી આવ્યા હતા. જે આર્મીનું હેલિકોપ્ટર હોવાની પુષ્ટિ કરી રહ્યા હતા.એસએસપીએ કહ્યું કે, અમે કહી શકતા નથી કે હેલિકોપ્ટરમાં કેટલા લોકો સવાર હતા અને તેમનું શું થયું છે. તેમને ઉમેર્યું કે, વિશેષ દળો અને આર્મી ડાઈવર્સ સર્ચ ઑપરેશન હાથ ધરી રહ્યા છે અને આગામી ચારથી પાંચ કલાકમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે. એસએસપીએ જણાવ્યું હતું કે, દુર્ઘટનાની ચોક્કસ જગ્યા ઓળખી કાઢવામાં આવી છે અને ત્યાં કેટલીક તરતી સામગ્રી મળી આવી છે.

આ તળાવ વિશાળ હોવાથી સર્ચ ઑપરેશનની કામગીરીમાં સમય લાગશે. દુર્ઘટના સ્થળની ઊંડાઈ 200 ફૂટથી વધુ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અપ્રમાણિત અહેવાલો મુજબ, હેલિકોપ્ટર 254 આર્મી એવિએશન સ્ક્વોડ્રોનનું હતું અને તેણે મામુન છાવણીમાંથી ઉડાન ભરી હતી. ત્યાં હાજર લોકોએ જણાવ્યું કે, હેલિકોપ્ટર તળાવ ઉપર ઉડાન ભરી રહ્યું હતું અને અચાનક તે નીચે આવીને જોરથી પાણીમાં ક્રેશ થયું હતું. તેઓએ કહ્યું કે, તે ધ્રુવ હેલિકોપ્ટર હતું. અહેવાલો અનુસાર, હેલિકોપ્ટરમાં બે લોકો સવાર હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *