વોક ઇન વેક્સિનેશન વડા પ્રધાનનો ઐતિહાસિક નિર્ણય : અમિત શાહ

ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે આજે ગાંધીનગર જિલ્લાના રૂપાલ અને કોલવડા આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ તેમની સાથે જોડાયા હતા. ગૃહ મંત્રી અમિત શાહે આરોગ્ય કેન્દ્રમાં જેમણે વેક્સિન લીધી હતી તેમની સાથે વાતચીત પણ કરી હતી અને લોકોના ખબર અંતર પૂછ્યા હતા. શાહે વધુમાં જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સહિત વરિષ્ઠ અધિકારીઓ પાસેથી કોરોના વેક્સિન અંગેની માહિતી મેળવી હતી. ગૃહ મંત્રી અમિત શાહે કોઇપણ વ્યક્તિ વેક્સિન વિના બાકી ન રહી જાય તેની ખાસ કાળજી રાખવા આરોગ્ય અધિકારીઓને જણાવ્યું હતું. ગૃહ મંત્રી શાહે વધુમાં રૂપાલના વરદાયિની માતા મંદિરની મુલાકાત લઇને દર્શન અને પૂજા-અર્ચન કર્યા હતાં. તેમજ આશિર્વાદ મેળવ્યા હતાં. ગૃહ મંત્રી શાહે ત્યારબાદ વરદાયિની માતા મંદિરના ટ્રસ્ટીગણને મળીને જિલ્લા પ્રવાસન સ્થળો પૈકીના આ સ્થળના વિકાસ અને જીર્ણોદ્ધારની માહિતી મેળવી હતી. રૂપાલ બાદ શાહે ત્યારબાદ મહાનગરપાલિકામાં સમાવેશ કોલવડા ગામે રસીકરણ કેન્દ્રની મુલાકાત લીધી હતી. તેમજ વેક્સિનના પુરવઠા અંગેની જાત માહિતી મેળવી હતી. કોલવડા ખાતે મંત્રીશ્રીએ લોકો વચ્ચે જઇને નાગરિકોનું અભિવાદન ઝિલ્યું હતું. અને સૌનો આભાર માન્યો હતો. સૌને આરોગ્યની ચિંતા કરવા વેક્સિન લેવા માટે જણાવ્યું હતું. ગાંધીનગર સરકીટ હાઉસ ખાતે શાહે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે કોરોના સામેની લડાઈમાં વોક ઈન રસીકરણ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લેવાયેલો ઐતિહાસિક નિર્ણય છે. આજે મેં બે રસીકરણ કેન્દ્રોની મુલાકાત લીધી છે. રાજ સરકાર દ્વારા ૫૦૦૦ જેટલા રસીકરણ કેન્દ્રો શરૂ કરાયા છે. જેના દ્વારા સૌનું વોક ઈન રસીકરણ કરાશે. અમિત શાહ હજી મંગળવારે પણ અમદાવાદ ખાતે રોકાશે. તેમની સાથે ચર્ચા વિચારણા બાદ અમદાવાદની રથયાત્રા કાઢવી કે કેમ તે અંગેનો નિર્ણય લેવામાં આવશે એવું જાણકાર સૂત્રો જણાવી રહ્યાં છે. તેમના આગમન બાદ ગુજરાતના મંત્રી મંડળમાં ફેરફાર થશે તેવી શક્યતા જોવામાં આવી રહી છે પરંતુ આ અંગેના કોઇ એંધાણ દેખાતા નથી દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંત્રી મંડળના વિસ્તરણની વાતને નકારી કાઢી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *