વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માસિક રેડિયો પ્રોગ્રામ ‘મન કી બાત’ને 2014માં શરૂ થયા પછી અત્યાર સુધી 30.80 કરોડ રૂપિયાથી વધુની આવક થઈ છે. જેમાં સૌથી વધુ 10.64 કરોડની આવક વર્ષ 2017-18માં થઈ હતી. એમ રાજ્યસભાને સોમવારે જાણ કરવામાં આવી હતી. ‘મન કી બાત’ કાર્યક્રમ અખિલ ભારતીય રેડિયો અને દૂરદર્શનની વિવિધ ચેનલોમાં માધ્યમે દર મહિનાના અંતિમ રવિવારે સવારે 11 વાગ્યે પ્રસારિત કરવામાં આવે છે.માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે એક સવાલના લેખિત જવાબમાં રાજ્યસભામાં કહ્યું કે, પ્રસાર ભારતીએ તેના ઑલ ઇન્ડિયા રેડિયો અને દૂરદર્શન નેટવર્ક પર અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આજ સુધી ‘મન કી બાત’ કાર્યક્રમના 78 એપિસોડ પ્રસારિત કર્યા છે.
તેમણે જણાવ્યું હતું કે, આ પ્રોગ્રામ દેશભરમાં આશરે 91 ખાનગી સેટેલાઇટ ટીવી ચેનલો દ્વારા પણ પ્રસારિત કરવામાં આવે છે. મંત્રાલયે જવાબમાં શેર કરેલા ડેટા અનુસાર, પ્રોગ્રામ 2014-15માં 1.16 કરોડ રૂપિયા, 2015-16માં 2.81 કરોડ રૂપિયા, 2016-17માં 5.14 કરોડ રૂપિયા અને 2017-18માં 10.64 કરોડ રૂપિયાથી વધુની આવક થઈ હતી. જ્યારે, વર્ષ 2018-19માં 7.47 કરોડ રૂપિયા, 2019-20માં 2.56 કરોડ રૂપિયા અને 2020-21માં 1.02 કરોડ રૂપિયાની આવક થઈ છે.